BMCનું રૂ. 27,258 કરોડનું બજેટઃ મુંબઈવાસીઓ પર કોઈ નવો વેરો નાખ્યો નથી

મુંબઈ – બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના કમિશનર અજૉય મહેતાએ આજે અહીં મુખ્યાલય ખાતે મહાનગરપાલિકાનું વર્ષ 2018-19 માટેનું બજેટ રજૂ કર્યું હતું. આ વખતના બજેટનું કદ રૂ. 27,258 કરોડ છે. ગયા વર્ષની સરખામણીમાં આ વખતના બજેટમાં 8 ટકાનો વધારો જોવા મળ્યો છે.

બીએમસીના બજેટમાં મુંબઈ કોસ્ટલ રોડ અને ગોરેગાંવ-મુલુંડ લિન્ક રોડ જેવા પ્રોજેક્ટ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. તો રસ્તાઓના સમારકામ તથા સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમને પણ વ્યવસ્થિત કરવા માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે.

મ્યુનિસિપલ કમિશનર મહેતાએ મુંબઈગરાંઓ પર કોઈ નવા વેરા નાખ્યા નથી. જોકે મહેસુલી આવક ઘટી જવાને પગલે પાલિકાતંત્રને સ્પેશિયલ રિઝર્વ ફંડ્સમાંથી કદાચ ભંડોળ ઉપાડવાની ફરજ પડશે.

મહાપાલિકાએ શહેરમાં તાનસા વોટર પાઈપલાઈનને સમાંતર સાઈક્લિંગ અને વોકિંગ ટ્રેક્સ બાંધવા માટે રૂ. 100 કરોડનો ખર્ચ કરશે. તે સાઈક્લિંગ ટ્રેક્સ 19 રેલવે, 7 મેટ્રો, 2 મોનોરેલ સ્ટેશનોને જોડશે.

દહિસર, પોઈસર, ઓશિવરા અને મીઠી નદીમાંથી દરિયામાં ઠલવાતા કચરાના નિકાલ માટે પણ એક પદ્ધતિ ઘડવાનો બજેટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દરિયામાં જે ટનબંધ કચરો ઠલવાયો છે તે દરિયાકિનારાઓ પર પાછો આવી પડે છે એને કારણે દરિયાકિનારાઓ પર ગંદકી વધે છે, એવું અજૉય મહેતાએ એમના બજેટ ભાષણમાં જણાવ્યું હતું.

શહેરના અગ્નિશામક દળ વિભાગ માટે પણ યોજના ઘડવામાં આવી છે. આગની દુર્ઘટનાઓ વખતે બચાવ કામગીરી હાથ ધરવા માટે ફાયર બ્રિગેડ વિભાગ માટે 64 મીટર અને તેનાથી પણ ઊંચી ટર્નટેબલ સીડીઓ ખરીદવામાં આવશે, પાંચ ડ્રોન અને રોબોટ ખરીદવામાં આવશે, ડિજિટલ મોબાઈલ રેડિયો સિસ્ટમ, હાઈ વોલ્યૂમ લોન્ગ રેન્જ વોટર-કમ-ફોમ મોનિટર તેમજ હાઈડ્રોલિક રેસ્ક્યૂ ટૂલ્સની પણ ખરીદી કરવામાં આવશે.

કોસ્ટલ રોડ પ્રોજેક્ટ માટે રૂ. 1500 કરોડની ફાળવણી

મહાપાલિકા વહીવટીતંત્ર શિક્ષણ ક્ષેત્ર માટે રૂ. 2569 કરોડનો ખર્ચ કરશે જ્યારે ફાયર સેફ્ટી માટે એણે રૂ. 180 કરોડની જોગવાઈ કરી છે.

કોસ્ટલ રોડ પ્રોજેક્ટ આવતા એક વર્ષમાં શરૂ કરાશે. એ માટે રૂ. 1500 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.

અજૉય મહેતાએ આ ત્રીજા વર્ષે બજેટ રજૂ કર્યું છે. 2015ના એપ્રિલમાં મુંબઈના મ્યુનિસિલ કમિશનર તરીકે એમની નિમણૂક કરવામાં આવી હતી.

મુંબઈના બજેટની દરખાસ્તો પર ઉડતી નજરઃ

  • મુંબઈગરાંઓ પર કોઈ નવા વેરાનું સૂચન કરવામાં આવ્યું નથી
  • રસ્તાઓના સમારકામ માટે રૂ. 1,202 કરોડની ફાળવણી
  • મુંબઈમાં દરિયાકિનારાઓને રોશનીથી શણગારવા માટે રૂ. 10 કરોડ ખર્ચવામાં આવશે.
  • શહેરી ગરીબોને અપાતી સેવામાં સુધારો કરવા માટે રૂ. 8472.61 કરોડની ફાળવણી
  • આ વર્ષે શહેરમાં નવા ફાયર સ્ટેશન્સ બનાવવા માટે રૂ. 28.97 કરોડની ફાળવણી
  • વિદેશી યુનિવર્સિટીઓ સાથે સહયોગ કરીને મેડિકલ, ડેન્ટલ કોલેજીસ માટે રૂ. 10 કરોડની ફાળવણી.
  • સેટેલાઈટ ફોન્સની ખરીદી માટે રૂ. 75 લાખ ખર્ચવામાં આવશે. એ ફોન તમામ વોર્ડ સહાયક કમિશનરોને અપાશે જેઓ ફાયર બ્રિગેડના અધિકારીઓ, હોસ્પિટલ સત્તાવાળાઓ સાથે સંપર્કમાં રહેશે
  • બીએમસી હેડ ઓફિસ, મેટરનિટી હોમ્સ, હોસ્પિટલો, વોર્ડ ઓફિસોમાં સીસીટીવી સિસ્ટમ ઈન્સ્ટોલ કરવા પાછળ રૂ. 7.07 કરોડના ખર્ચનો અંદાજ.
  • બાન્દ્રા કિલ્લાના નવીનીકરણ માટે રૂ. પાંચ કરોડ ખર્ચાશે. ત્યાં પ્રોમીનેડ, સાઈકલ ટ્રેક, ડેકોરેટિવ લાઈટિંગ મૂકાશે.
  • ટીબી (ક્ષય) રોગ સંબંધિત સારવાર માટે ઉપલબ્ધ સારવારની સુધારણા માટે રૂ. 13.5 કરોડની ફાળવણી કરાશે
  • પશ્ચિમ, પૂર્વીય ઉપનગરોમાં પાણી પુરવઠામાં સુધારો લાવવા રૂ. 35 કરોડની ફાળવણી.
  • BEST બસોમાં દિવ્યાંગ અને નેત્રહીન વ્યક્તિઓને 100 ટકા કન્સેશન અપાશે
  • મ્યુનિસિપલ બજારોમાં 12 કરોડના ખર્ચે ઓર્ગેનિક વેસ્ટ કમ્પોસ્ટર્સ ઈન્સ્ટોલ કરાશે
  • કોઈ અકસ્માતના કેસમાં અસરગ્રસ્ત ફાયર બ્રિગેડના તમામ જવાનો માટે વીમા યોજના
  • ફાયર બ્રિગેડમાં 96 ફાયર મહિલાઓનો સમાવેશ કરાશે
  • ભાયખલા ઝૂ (પ્રાણીબાગ)નો વિસ્તાર 7 એકર જમીન પર વિસ્તારવામાં આવશે. આ જમીન મફતલાલ મિલ કમ્પાઉન્ડ પાસેથી હાંસલ કરાઈ છે
  • ગાર્ડન વિભાગ માટે રૂ. 243.95 કરોડની ફાળવણી
  • મુંબઈમાં ચોમાસા વખતે ઊભી થતી પૂરની સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે રૂ. 53.71 કરોડની જોગવાઈ
  • રસ્તાઓ પરના મેનહોલમાં કોઈ પડી ન જાય એ માટે મેનહોલ પર રૂ. 1.22 કરોડના ખર્ચે 1450 જાળીઓ બેસાડવામાં આવશે.

(મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટને લગતો વિડિયો)