માત્ર ફોટો ખેંચાવા હેલિકોપ્ટરમાંથી સર્વે નથી કરતોઃ ઠાકરે

મુંબઈઃ મહારાષ્ટ્રના વાવાઝોડા પ્રભાવિત કોંકણ ક્ષેત્રની મુલાકાતની વિરોધ પક્ષ ભાજપની તીખી આલોચનાની વચ્ચે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે તેઓ કમસે કમ અસરગ્રસ્ત સ્થળની મુલાકાત તો લઈ રહ્યા છે ન કે હેલિકોપ્ટરમાં બેસીને હવાઈ સર્વેક્ષણ કરી રહ્યા છે. તેમની આ ટિપ્પણી વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ લાગી રહી છે, જેમણે આ સપ્તાહે ગુજરાતમાં આવેલા વાવાઝોડું ‘તાઉ’ તે’ પછી હવાઈ સર્વેક્ષણ કર્યું હતું.

ઠાકરેએ વાવાઝોડા પછી વાસ્તવિક સ્થિતિની સમીક્ષા કરવા શુક્રવારે કોંકણમાં રત્નાગિરિ અને સિંધુદુર્ગ જિલ્લાની મુલાકાત લીધી હતી અને અધિકારીઓએને બે દિવસની અંદર કૃષિના પાકને કેટલું નુકસાન થવાનો અંદાજ જણાવવાના નિર્દેશ આપ્યા હતા.

રાજ્યમાં ભાજપના નેતાઓએ તેમના મુલાકાતના સમયને લઈને તેમના પર નિશાન સાધ્યું હતું. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે તેમને જાણીને આશ્ચર્ય થયું હતું કે ઠાકરેએ કોંકણની અંદર માત્ર ત્રણ કલાકની મુલાકાત લીધી એ બદલ નેતાઓ રાજકીય ટિપ્પણીઓ કરી રહ્યા હતા. વિધાન પરિષદમાં વિપક્ષના નેતા પ્રવીણ દારેકરે પૂછ્યું હતું કે મુખ્ય પ્રધાન વાવાઝોડાથી થયેલા નુકસાન વિશે માત્ર ત્રણ કલાકમાં કેવી રીતે જાણી શકે?

ભાજપની ટીકા વિશે પૂછવામાં આવતાં ઠાકરેએ કહ્યું હતું કે ઠીક છે, જો મારી મુલાકાત ચાર કલાકની હતી, પણ કમસે કમ વાસ્તવિક જગ્યાએ જઈને સ્થિતિની સમીક્ષા તો લઈ રહ્યો હતો, ન કે ફોટો ખેંચાવા માટે કોઈ હેલિકોપ્ટરમાં હતો. હું ખુદ એક ફોટોગ્રાફર છું. તેમણે કહ્યું હતું કે હું વિપક્ષની ટીકાનો જવાબ આપવા માટે અહીં નથી આવ્યો.