નાગપુરઃ બોમ્બે હાઇકોર્ટની નાગપુર ખંડપીઠે કહ્યું હતું કે આપેલાં દેવાં એ પરત કરવાની માગ કરવાનો અર્થ એ નથી કે તમે કોઈ શખસને આપઘાત માટે ઉશ્કેરણી કરી રહ્યા છો. એ ફાઇનાન્સ કંપના કર્મચારીની સામે આ મામલે FIR નોંધવામાં આવ્યો હતો, પણ હાઇકોર્ટની ખંડપીઠે કંપનીના એ કર્મચારીની સામે નોંધાયેલો FIR રદ કરવાનો આદેશ આપ્યો છે. કર્મચારી પર એક દેવાદાર વ્યક્તિને દેવાં ચૂકવવા માટે આત્મહત્યા માટે ઉશ્કેરણી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
જસ્ટિસ વિનય દેશપાંડે અને જસ્ટિસ અનિલ કિલોરની ખંડપીઠે કહ્યું હતું કે અરજીકર્તા રોહિત નલવડેએ માત્ર ફરજનું પાલન કરી રહ્યો હતો અને ઉધાર લેનાર પ્રમોદ ચૌહાણ પાસેથી એ દેવાંને વસૂલ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ચૌહાણે એ પછી આત્મહત્યા કરી લીધી હતી અને સુસાઇડ નોટમાં અરજીકર્તા પર દેવાંની વસૂલી માટે હેરાન કરવાનો આરોપ મૂક્યો હતો. આ મામલે રોહિત નલવડેની સામે ભારતીય દંડ સંહિતાની કલમ 306 (આત્મહત્યા માટે ઉશ્કેરણી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. હાઇકોર્ટે આદેશમાં કહ્યું હતું કે અરજીકર્તા પાસે નાણાં માગ કરવી એ ફાઇનાન્સ કંપનીના કર્મચારીના રૂપમાં એ તેની નોકરીનો એક ભાગ છે. એને આત્મહત્યા માટે ભડકાવવું ના કહેવાય.
પ્રમોદ ચૌહાણે સુસાઇડ નોટમાં આરોપ મૂક્યો હતો કે દેવાં ચૂકવવા માટે અરજીકર્તા તેને હેરાન કરી રહ્યો હતો. આ કેસ આઠ ઓગસ્ટ, 2018એ મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં FIR નોંધવામાં આવ્યો હતો. હાઇકોર્ટને જણાવવામાં આવ્યું હતું કે ચૌહાણે એક નવી કાર ખરીદવા માટે કંપની પાસેથી રૂ. 6.21 લાખની લોન લીધી હતી. કરાર મુજબ આ લોનને રૂ. 17,800ના માસિક હપતે પરત કરવાની હતી. ચૌહાણે લોન ન ચૂકવી શકતાં આત્મહત્યા કરી લીધી.
