મુંબઈના જ્વેલરને ‘નો-ફ્લાય’ લિસ્ટમાં મૂકી દેવાયો; એણે વિમાન અપહરણની અફવા ફેલાવી હતી

મુંબઈ – બિરજુ કિશોર સલ્લા નામનો મુંબઈનો રહેવાસી જ્વેલર દેશનો એવો પહેલો વ્યક્તિ બન્યો છે જેને રાષ્ટ્રીય નો-ફ્લાય લિસ્ટમાં મૂકી દેવામાં આવ્યો છે. સલ્લાએ ગયા વર્ષના ઓક્ટોબરમાં જેટ એરવેઝની એક ફ્લાઈટનું અપહરણ કરવામાં આવનાર છે એવું દર્શાવતી એક નોંધ મૂકીને ગભરાટ ફેલાવ્યો હતો. એ નોંધ એણે મુંબઈથી દિલ્હી જતી જેટ એરવેઝની ફ્લાઈટમાં મૂકી હતી.

એ નોંધ મળી આવ્યા બાદ વિમાનનું અમદાવાદ એરપોર્ટ ખાતે તાકીદે ઉતરાણ કરાવવું પડ્યું હતું. ત્યારબાદ સલ્લાની ધરપકડ કરવામાં આવી હતી. એ નોંધમાં એવું લખવામાં આવ્યું હતું કે આ વિમાનનું અપહરણ થવાનું છે. ત્યારબાદ વિમાનમાં એક કેબિન ક્રૂના શૌચાલયમાંથી એક બોમ્બ પણ મળી આવ્યો હતો.

વિમાન સેવાને ખોરવી નાખતા પ્રવાસીઓના દૂષણને અંકુશમાં રાખવા માટે નેશનલ નો ફ્લાય લિસ્ટની પ્રથા આઠ મહિના પહેલા શરૂ કરવામાં આવી હતી.

37 વર્ષના સલ્લાની ધરપકડ કરવામાં આવી હતી. ભારતમાં મુલ્કી ઉડ્ડયન ક્ષેત્રનું નિયમન કરનાર સંસ્થા ડીજીસીએના એક સિનિયર અધિકારીએ જણાવ્યું છે કે ગયા વર્ષે જેટ એરવેઝની ફ્લાઈટમાં અપહરણની નોંધ મૂકીને ગભરાટ ફેલાવનાર બિરજુ કિશોર સલ્લા નો ફ્લાય લિસ્ટમાં સ્થાન મેળવનાર દેશનો પહેલો વ્યક્તિ બન્યો છે.

સલ્લા લાખોપતિ જ્વેલર છે. મુંબઈના ઝવેરી બજાર વિસ્તારમાં એની ઓફિસ છે અને પોશ વિસ્તારમાં ફ્લેટ પણ ધરાવે છે.

વિમાનમાં એ નોંધ પોતે મૂકી હોવાની સલ્લાએ કબૂલાત કરી હતી. એણે એવી આશા સાથે એ નોંધ અને બોમ્બ મૂક્યા હતા કે એનાથી જેટ એરવેઝ દિલ્હીમાં એની સેવા બંધ કરી દેશે અને એને પગલે જેટની દિલ્હી ઓફિસમાં કામ કરતી એની ગર્લફ્રેન્ડ પાછી મુંબઈ આવી જશે.

ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા મુજબ, એ નોંધ ઉર્દૂ અને અંગ્રેજી ભાષામાં લખાયેલી પ્રિન્ટેડ નોટ હતી. એમાં એવું જણાવાયું હતું કે આ વિમાનને POK (પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીર)માં લઈ જવામાં આવે. નોંધની આખરમાં અલ્લાહ ઈઝ ગ્રેટ શબ્દો લખ્યા હતા.

ડીજીસીએનું કહેવું છે કે અમે સલ્લા પર વિમાનમાં પ્રવાસ કરવાનો પ્રતિબંધ મૂકી દીધો છે અને હવે એના વિશે અન્ય એરલાઈન્સને જાણ કરવાની જવાબદારી જેટ એરવેઝની બને છે.