મારાં પિતાનાં મૃત્યુ વિશે તપાસ કરાવો: નીતિન દેસાઈની પુત્રીની સરકારને અપીલ

મુંબઈ: હિન્દી અને મરાઠી ફિલ્મોના જાણીતા આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈએ ગઈ બીજી ઓગસ્ટે પડોશના થાણે જિલ્લાના કર્જત નગરમાં એમના સ્ટુડિયોમાં કથિતપણે કરેલી આત્મહત્યાથી આખા દેશને આંચકો લાગ્યો છે. એવા અહેવાલો છે કે દેસાઈએ નાણાકીય ભીંસને કારણે પોતાનું જીવન ટૂંકાવી દેવાનું અંતિમ પગલું ભર્યું.

દેસાઈની પુત્રી માનસીએ ANI સમાચાર સંસ્થાને જણાવ્યું છે કે એનાં પિતાએ એક કંપની પાસેથી રૂ.૧૮૧ કરોડની લોન લીધી હતી અને રૂ.૮૬.૩૧ કરોડ ચૂકવી પણ દીધા હતા. કોઈની સાથે છેતરપિંડી કરવાનો એનાં પિતાનો કોઈ ઈરાદો નહોતો. એમણે લોન પૂરેપૂરી ચૂકવી દેવાનું વચન આપ્યું હતું. એ લોકોએ (લેણદારોએ) છ- મહિનાનું વ્યાજ એડવાન્સમાં ચૂકવી દેવાની માંગણી કરી હતી જેને માટે મારાં પિતાએ મુંબઈમાં પવઈ વિસ્તારમાં આવેલી એમની ઓફિસ વેચી દીધી હતી. લોન કંપનીએ એક બાજુ એમને ખોટી ખાતરી આપી હતી અને બીજી બાજુ એમની સામે કાયદેસર કાર્યવાહી શરૂ કરી હતી. કોરોનાને કારણે મનોરંજન ઉધોગને માઠી અસર પડી હતી. કંઈ કામ નહોતું એટલે સ્ટુડિયો બંધ હતો. પરિણામે મારાં પિતા નિયમિત રીતે પેમેન્ટ કરી શક્યા નહોતા.

માનસીએ મીડિયાને વિનંતી કરી છે કે તેઓ એનાં પિતા વિશે બદનામીભર્યા નિવેદનો ન કરે અને ખોટી માહિતી ન ફેલાવે. માનસીએ એનાં પિતાનાં મૃત્યુના કિસ્સામાં તપાસ કરવાની મહારાષ્ટ્ર સરકારને વિનંતી પણ કરી છે

.