નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં 3400 વંચિત બાળકો, વરિષ્ઠ નાગરિકોએ માણ્યો ‘ધ સાઉન્ડ ઑફ મ્યુઝિક’નો ખાસ શો

મુંબઈ, 26 જૂન 2023: નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ખાતે નીતા અંબાણીએ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સમર્થિત NGO સાથે સંકલિત 3,400 વંચિત બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે ઇન્ટરનેશનલ બ્રોડવે મ્યુઝિકલ ‘ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક’ના સ્પેશિયલ શોનું આયોજન કર્યું હતું.

વિકેન્ડમાં આયોજિત આ બંને અત્યંત ખાસ શોમાં રિલાયન્સ ફાઉન્ડેશને ખાસ દિવ્યાંગ બાળકો સહિત સમગ્ર મુંબઈમાં વિવિધ સ્થળોએથી આવેલા 3,400 બાળકો અને વરિષ્ઠ નાગરિકોની યજમાની કરી હતી. આ પહેલ 18 એનજીઓના એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફોર ઓલ (ઇએસએ) પ્રોગ્રામ દ્વારા સમર્થિત હતી. આ સાથે રિલાયન્સના સ્વયંસેવી કર્મચારીઓ પણ ખડેપગે રહ્યાં હતાં અને તેમણે સુનિશ્ચિત કર્યું હતું કે, દરેકને આરામદાયક અને જાદુઈ અનુભૂતિ પ્રાપ્ત થાય. ઇએસએ પ્રોગ્રામ થકી રિલાયન્સ ફાઉન્ડેશને છેલ્લા ઘણા વર્ષોથી શિક્ષણ અને રમતગમતની વિવિધ પહેલો દ્વારા બાળકોની આકાંક્ષાઓને પાંખો આપી છે. એનજીઓ સાથેના સહયોગમાં આ વિશેષ શો બાળકોને પ્રેરણા આપવાની દિશામાં રિલાયન્સ ફાઉન્ડેશનના સતત પ્રયાસોની દિશામાં વધુ એક પગલું છે.

રિલાયન્સ ફાઉન્ડેશનનાં સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “ભારત અને વિશ્વની શ્રેષ્ઠ પ્રસ્તુતિને પ્રદર્શિત કરવાના NMACCના વિઝનને ‘ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક’ને મળેલો જબરજસ્ત પ્રતિસાદ પ્રતિબિંબિત કરે છે. દેશભરના પરિવારો એકસાથે આવે અને આ જાદુઈ અનુભૂતિનો અહેસાસ માણે તે જોવું ખરેખર હૃદયસ્પર્શી રહ્યું છે. છેલ્લા બે શો 3,400 વંચિત બાળકો અને વરિષ્ઠ નાગરિકોને સમર્પિત કરવા બદલ અમે ખૂબ આનંદિત છીએ. આ આઈકોનિક મ્યુઝિકલની સફરનું આ વિશેષ પ્રેક્ષકોની ઉપસ્થિતિમાં સમાપન કરવાથી અધિક યાદગાર બીજું કાંઈ ન હોઈ શકે. અમારા એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફોર ઓલ પ્રોગ્રામને નિરંતર જારી રાખીને અમે કળા સુધી દરેકની પહોંચ રહે તે માટે પ્રતિબદ્ધ છીએ.”

‘ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક’ સમારોહની આ વર્ષે મે મહિનામાં ધ ગ્રાન્ડ થિયેટર ખાતે ઐતિહાસિક આઠ સપ્તાહની શ્રેણીથી શરૂઆત થઈ હતી – તે એશિયામાં અને દેશમાં સૌથી લાંબી ચાલનારી સંગીત શ્રેણી બની છે.