ડ્રગ્સ કેસઃ અભિનેતા અર્જુન રામપાલને NCBનું સમન્સ

મુંબઈઃ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB)એ નશીલી દવાઓના સેવન અને ગેરકાયદેસર ધંધાના મામલે શરૂ કરેલી તપાસ અંતર્ગત હિન્દી ફિલ્મ અભિનેતા અર્જુન રામપાલને સમન્સ મોકલ્યું છે. આવતી કાલે સવારે 11 કલાકે પૂછપરછ માટે એને હાજર થવાનું ફરમાન કરાયું છે. એ પહેલાં રામપાલની લિવ-ઈન પાર્ટનર ગેબ્રિયેલા ડેમેટ્રિએડ્સ બોલીવૂડમાં કથિતપણે નશીલી દવાઓના ઉપયોગ સંબંધિત મામલાની તપાસના સિલસિલામાં ગુરુવારે NCB સમક્ષ હાજર થઈ હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

ગેબ્રિયેલાની ગઈ કાલે આશરે છ કલાક પૂછપરછ કરવામાં આવી હતી. એને પૂછપરછ માટે બીજી વાર બોલાવવામાં આવી હતી. એ દક્ષિણ મુંબઈના બેલાર્ડ એસ્ટેટ વિસ્તારમાં આવેલી NCBની ઓફિસમાં પહોંચી હતી. NCBએ આ પહેલાં અભિનેતાના નિવાસસ્થાને દરોડા પણ પાડ્યા હતા અને ત્યારબાદ જ રામપાલ અને ગેબ્રિયેલાની પૂછપરછ કરવાનું નક્કી કર્યું હતું. તપાસ એજન્સીએ દરોડા દરમ્યાન લેપટોપ, મોબાઇલ ફોન અને ટેબ્લેટ જેવાં ઇલેક્ટ્રોનિક ગેજેટને જપ્ત કર્યા હતા અને અભિનેતાના ડ્રાઇવરની પણ પૂછપરછ કરવામાં આવી હતી.

રામપાલના ઘરે દરોડાના એક દિવસ પૂર્વે NCBને બોલીવૂડ નિર્માતા ફિરોઝ નડિયાદવાલાની પત્ની શબાનાનાં જુહુસ્થિત નિવાસસ્થાનેથી ગાંજો મળી આવ્યા બાદ એમની ધરપકડ કરી હતી. એ હાલ જામીન પર છૂટ્યાં છે. ગયા મહિને NCB અધિકારીઓએ ગેબ્રિયેલાનાં ભાઈ અગિસિલાઓસ ડેમેટ્રિએડ્સની ડ્રગ્સ મામલે પુણે જિલ્લાના લોનાવલા સ્થિત એક રિસોર્ટમાંથી ધરપકડ કરવામાં આવી હતી.