મુંબઈઃ મધ્ય મુંબઈના વરલી વિસ્તાર (લોઅર પરેલ ઉપનગર)માં આવેલી સદી જૂની બીડીડી ચાલનું કરોડોના ખર્ચે રીડેવલપમેન્ટ કરીને તેને તદ્દન નવો ઓપ આપવાની છે મહારાષ્ટ્રની સરકાર. રૂ. 20,000 કરોડના આ મેગા-રીડેવલપમેન્ટ પ્લાન માટેનું કામકાજ આખરે શરૂ કરવામાં આવ્યું છે. આ પ્લાન ત્રણ દાયકાથી લટકતો રહ્યો હતો. આખરે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગયા અઠવાડિયે યોજનાનું ભૂમિપૂજન કર્યું હતું. આ ચાલ વરલીના નાયગાંવ વિસ્તારમાં 93 એકર જમીન પર ફેલાયેલી છે. તેમાં કુલ 207 મકાનો છે. તમામ મકાનો જૂના છે. બે મકાન વચ્ચે 20 ફૂટનો પેસેજ છે. સમાન પાણી વિતરણ વ્યવસ્થા, સ્નાનગૃહ અને શૌચાલયો છે. હવે આખી ચાલને નવેસરથી બાંધવામાં આવનાર છે. આ ચાલમાં 17,000 પરિવારો રહે છે, જેમાં મોટા ભાગનાં મિલ-કામદારો છે. સમગ્ર કોલોનીમાં કુલ 20 ચાલ છે. દરેકમાં 3-3 માળના મકાનો છે અને દરેક માળ પર 15-20 રૂમ છે.
આ ચાલનું બાંધકામ છેક 1921-1924માં બ્રિટિશ શાસન વખતે કરવામાં આવ્યું હતું. એ વખતના બોમ્બે પ્રાંતના ગવર્નર સર જ્યોર્જ લોઈડે મધ્યમ વર્ગનાં લોકોના સામુહિક વસવાટના હેતુથી વિશાળ કોલોની બંધાવી હતી. બ્રિટિશ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ (બીડીડી)એ તે બાંધકામ કર્યું હતું તેથી આ ચાલનું નામ બીડીડી ચાલ પડી ગયું છે. 84 વર્ષ પહેલાં મહાત્મા ગાંધી મુંબઈ આવ્યા હતા ત્યારે આ બીડીડી ચાલમાં સફાઈ કામદારોના સમાજનાં લોકો સાથે એક રાત રહ્યા હતા. ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકર અવારનવાર બીડીડી ચાલની મુલાકાતે આવતા હતા.
રીડેવલપમેન્ટનું કામકાજ કદાચ આઠેક વર્ષ સુધી ચાલશે. એ પછી આ ચાલની જગ્યાએ 32 મોટા ટાવર બંધાઈ જશે. જેમાં 500 સ્ક્વેર ફૂટવાળા 1-BHK ફ્લેટ હશે. અને એમાં આધુનિક સુવિધાઓ હશે. સમગ્ર યોજનાની દેખરેખ મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (મ્હાડા) કરશે. પહેલો તબક્કો 3 વર્ષમાં પૂરો થશે. આ રીડેવપલમેન્ટ યોજના ટાટા ગ્રુપ, લાર્સન એન્ડ ટુબ્રો અને શાપૂરજી પલોનજી બિલ્ડર ગ્રુપ દ્વારા કરાશે. નવી કોલોનીમાં ચાર શાળા, વેલ્ફેર કેન્દ્રો, મિનિ હોસ્પિટલો, બગીચા, રમતગમતના મેદાન, બજારો અને શોપિંગ પ્લાઝા હશે.