મહારાષ્ટ્રમાં દરેક લોકકલાકારને રાજ્ય સરકાર રૂ.5,000 આપશે

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાવાઈરસ રોગચાળાને કારણે આર્થિક રીતે માઠી અસર પડી હોય એવા લોકકલાકારો, કલાકારો, લોક કળાના ગ્રુપોના સંચાલકો, માલિકો તથા નિર્માતાઓ, નાટક, સર્કસ, ટૂરિંગ ટોકિઝ સહિત વિવિધ કલાકાર મંડળીઓના સભ્યો માટે ઊઘડી રકમવાળા રાહત પેકેજને રાજ્ય સરકારે મંજૂરી આપી છે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના સત્તાવાર નિવાસસ્થાને મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે આવા 56,000 કલાકારોને દરેકને રૂ. 5,000ની નાણાકીય સહાય આપવામાં આવશે.

મુંબઈ, થાણે અને પુણેમાં આવા 8,000 જેટલા કલાકારો છે. જ્યારે 48,000 જેટલા કલાકારો રાજ્યના અન્ય જિલ્લાઓમાં વસે છે. દરેક કલાકારને રૂ. 5,000ની સહાયતા કરવામાં આવશે. આની કુલ રકમ થાય છે રૂ. 28 કરોડ. આખા વર્ષમાં કોરોનાને કારણે કોઈ લોક-સંસ્કૃતિના કાર્યક્રમો ન થતાં એના કલાકારોને ખૂબ હાડમારી ભોગવવી પડી રહી છે એની મહારાષ્ટ્ર સરકારે નોંધ લીધી છે.