મુંબઈઃ મુંબઈ અને મહારાષ્ટ્રવાસીઓનો લોકપ્રિય તહેવાર, ગણેશોત્સવ 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. એ લગભગ 10 દિવસ સુધી ચાલશે. શહેરમાં તમામ સાર્વજનિક ગણેશોત્સવ મંડળો ખાતે આ તહેવારની ઉજવણીની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. શહેરમાં સૌના લાડકા અને કદમાં સૌથી મોટા એવા ‘લાલબાગચા રાજા’ ગણપતિ માટે આ વર્ષે લગભગ 26.5 કરોડ રૂપિયાનો વીમો ઉતારવામાં આવ્યો છે. મધ્ય મુંબઈના પરેલના લાલબાગ વિસ્તારસ્થિત આ સાર્વજનિક ગણેશોત્સવ મંડળ ખાતે ‘લાલબાગચા રાજા’ ગણપતિજીના દર્શન કરવા આવતા લોકોની થતી અપાર ભીડ અને ભગવાન ગણપતિની મૂર્તિ પર પહેરાવવામાં આવનાર મૂલ્યવાન દાગીનાઓનો વિચાર કરીને આયોજકોએ સુરક્ષાની દ્રષ્ટિએ આટલી મોટી રકમનો વીમો ઉતારવાનું નક્કી કર્યું છે. ગણેશોત્સવ દરમિયાન શનિવાર અને રવિવારના દિવસોએ ભાવિકોની સૌથી વધારે ગીરદી થતી હોય છે. માત્ર મુંબઈ જ નહીં, પરંતુ આસપાસના જિલ્લાઓમાંથી તેમજ મહારાષ્ટ્રમાં ઘણે દૂરથી લોકો અહીં દર્શન કરવા આવે છે.
આયોજકોએ ન્યૂ ઈન્ડિયા એશ્યુરન્સ કંપની પાસેથી રૂ. 26 કરોડ 54 લાખની રકમનો વીમો ઉતરાવ્યો છે. આ વીમા કવચમાં આગ, ચોરી, અકસ્માત જેવા જોખમોની સાથોસાથ, નાસભાગ, આતંકવાદ અને પ્રસાદ દ્વારા ઝેર આપવા જેવી ઘટનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પોલિસી 24 ઓગસ્ટથી લઈને 23 ઓક્ટોબરના સમયગાળા સુધીની છે.
મંડળના ખજાનચી મંગેશ દળવીએ કહ્યું કે, રૂ. 26.54 કરોડના વીમા પૈકી રૂ. 12 કરોડ ભક્તો, ટ્રસ્ટીઓ, રજિસ્ટર્ડ અધિકારીઓ અને સ્વયંસેવકો, રહેવાસીઓ, સુરક્ષા કર્મચારીઓ તથા ચોકીદાર સહિતના કર્મચારીઓના વ્યક્તિગત અકસ્માત સામે રક્ષણ આપવાનો પણ આ વીમા પોલિસીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જો અકસ્માત થશે તો પ્રત્યેક પીડિતને રૂ. પાંચ લાખનું વળતર મળશે. ‘લાલબાગચા રાજા’ મંડળનું જેમને ઓળખપત્ર આપવામાં આવ્યું હશે એ તમામ લોકોને આ વીમા પોલિસી અંતર્ગત આવરી લેવામાં આવશે. અન્ય પાંચ કરોડ રૂપિયાની રકમ તૃતિય પંથીના દાયિત્વ માટે ફાળવવામાં આવ્યા છે. આમાં પ્રસાદ દ્વારા ઝેર આપવાના ગુનાનો સમાવેશ કરાયો છે. અઢી કરોડ રૂપિયામાં મંડપના સેટ, મંડપ તથા મુખ્ય પ્રવેશદ્વારને નુકસાનનો સમાવેશ કરાયો છે. જ્યારે 7.5 કરોડ રૂપિયામાં દાગીના તથા અન્ય કિંમતી ચીજવસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ વીમા કવચ માટે આયોજક મંડળે રૂ. 5 લાખ 40 હજારનું પ્રીમિયમ ભર્યું છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષના વીમા સંરક્ષણની રકમ વધારે છે. ગયા વર્ષે મંડળે વીમા કંપની પાસેથી 25 કરોડ 60 લાખની કિંમતની પોલિસી લીધી હતી અને રૂ. પાંચ લાખ 20 હજારનું પ્રીમિયમ ભર્યું હતું.