મુંબઈઃ બુલેટ ટ્રેન શરૂ કરવાની યોજના જો પાર પડશે તો મુંબઈનાં સાઈબાબા ભક્તો શિર્ડી યાત્રાધામ ખાતે માત્ર 1 કલાક અને 10 મિનિટમાં પહોંચી શકશે. હાલ મુંબઈ-શિર્ડી સુપરફાસ્ટ ટ્રેન બંને શહેર વચ્ચેનું અંતર પૂરું કરવા 6 કલાક અને પાંચ મિનિટનો સમય લે છે.
મુંબઈ-નાગપુર વચ્ચે બુલેટ ટ્રેન શરૂ કરવા માટેનો વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર છે. તેને આવતા પખવાડિયામાં રેલવે મંત્રાલયને સુપરત કરાશે. આ બુલેટ ટ્રેન મુંબઈના બાન્દ્રા-કુર્લા કોમ્પલેક્સ (બીકેસી)થી શરૂ થશે અને થાણે સુધી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના (હાલ બાંધકામ હેઠળના) રૂટ પર જશે. થાણેથી ટ્રેન વળાંક લેશે અને શાહપુર, ધોતી, ઈગતપુરી, નાશિક જશે. ત્યારબાદ ટ્રેન શિર્ડીને કનેક્ટ કરશે અને પછી આગળ નાગપુર જશે. 750 કિ.મી. લાંબા આ બુલેટ ટ્રેન કોરિડોર પાછળનો ખર્ચ આશરે રૂ. 1.5 લાખ કરોડનો અંદાજવામાં આવ્યો છે.
