મુંબઈઃ શહેરમાં ‘બેસ્ટ’ બસમાં પ્રવાસ કરનારાઓ માટે આનંદના સમાચાર છે. હવે ઘેરબેઠાં બસની ટિકિટ મેળવી શકાશે. આ સુવિધાને કારણે પ્રવાસ દરમિયાન ગિરદી અને છૂટ્ટા પૈસા કાઢવાની ઝંઝટમાંથી છૂટકારો પણ મળી જશે. આવતા ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં જ પ્રવાસીઓની સેવામાં એક નવી મોબાઈલ એપ રજૂ કરવાના પ્રયત્નો હાલ ‘બેસ્ટ’ વહીવટીતંત્રમાં ચાલી રહ્યા છે.
પ્રવાસીઓને ઘેરબેઠાં બસની ટિકિટ ઉપલબ્ધ કરાવવાની સુવિધા પૂરી પાડવાનો વહીવટીતંત્રએ નિર્ણય લીધો છે. મુંબઈમાં ‘બેસ્ટ’ બસોમાં રોજ આશરે 25 લાખ લોકો પ્રવાસ કરે છે. કોરોનાસંકટમાં તો આ સંખ્યા 32-35 લાખ સુધી થઈ ગઈ હતી. પ્રવાસીઓને હાલ ‘બેસ્ટ’ બસ ડેપો ખાતે પાસ આપવામાં આવે છે અને રોજેરોજના પ્રવાસની ટિકિટ બેસ્ટ કન્ડક્ટર પાસેથી મળે છે. પરંતુ, હવે મોબાઈલ ટિકિટ સેવા પણ ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે. એ માટે યૂઝર્સે મોબાઈલ ફોનમાં નવી એપ ડાઉનલોડ કરવાની રહેશે અને તે દ્વારા ઘેરબેઠાં જ ટિકિટ મેળવી શકાશે.