26-27 ઓક્ટોબર સુધીમાં મુંબઈમાંથી ચોમાસાની વિદાય

મુંબઈઃ આ મહાનગરમાંથી વર્ષ 2020નું ચોમાસું વિદાયને આરે છે. 26 કે 27 ઓક્ટોબર સુધીમાં મેઘરાજા મુંબઈ તથા આસપાસના વિસ્તારોમાંથી વિદાય લે એવી ધારણા છે.

એ પહેલાં મુંબઈ મેટ્રોપોલિટન રીજન (MMR) ક્ષેત્રમાં – કલ્યાણ અને થાણે વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડે એવી સંભાવના છે. ગઈ કાલે સાંજના સમયે આકાશમાં કાળા વાદળો ઘેરાયા હતા અને વીજળીના ચમકારા અને કડાકાભડાકા સાથે વરસાદ પડ્યો હતો. આવું કદાચ હજી એકાદ-બે દિવસ ચાલુ રહે એવી સંભાવના છે.

પરંતુ આ સપ્તાહાંતે ચોમાસાની વિદાય નિશ્ચિત છે. એની રવાનગીની શરૂઆત પણ થઈ ચૂકી છે.

બંગાળના અખાત પરના આકાશમાં ઊભા થયેલા નીચા દબાણના ક્ષેત્રને કારણે છેલ્લા અમુક દિવસોમાં આસપાસના વિસ્તારોમાં મુસળધાર વરસાદ પડ્યો હતો. એને કારણે ચોમાસાની વિદાયમાં થોડોક અવરોધ ઊભો થયો હતો, પરંતુ હવે તે અવરોધ દૂર થયો છે. ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના સમુદ્રકાંઠાના વિસ્તારોમાં એકાદ-બે દિવસ મુસળધાર વરસાદ પડી શકે છે.

શુક્રવારે નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરામાં અને શનિવારે આસામ, મેઘાલયમાં મુસળધારથી અતિ મુસળધાર વરસાદ પડી શકે છે.

તેની થોડીક અસર ગોવા, મહારાષ્ટ્રના કોકણ અને મધ્ય ભાગોમાં થઈ શકે છે. સમુદ્રકાંઠાના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]