મુંબઈઃ આજે સવારે લગભગ 5.50 વાગ્યે અહીંના દહિસર અને બોરીવલી રેલવે સ્ટેશનો વચ્ચે અપ-લાઈન (ફાસ્ટ-લોકલ) પર એક ઓવરહેડ ઈલેક્ટ્રિક વાયર તૂટી ગયા બાદ ઉપનગરીય તથા લાંબા અંતરની ટ્રેન સેવાને માઠી અસર પહોંચી હતી. જોકે રેલવેના એન્જિનીયરોએ તે ટેક્નિકલ ક્ષતિને 7.25 વાગ્યે દૂર કરી દીધી હતી.
ઓવરહેડ વાયર તૂટી જવાને કારણે બંને દિશાની લોકલ ટ્રેનો થંભી ગઈ હતી. ટ્રેનો અટકી જતાં હજારો પ્રવાસીઓ તકલીફમાં મૂકાઈ ગયાં હતાં જેઓ એમના કામકાજના સ્થળે જવા માટે ઘેરથી નીકળ્યાં હતાં. બે સ્ટેશન વચ્ચે ટ્રેન અટકી જતાં ઘણી મહિલા પ્રવાસીઓ પણ ડબ્બા મારીને પાટા પર કૂદતી અને ચાલીને નજીકના બોરીવલી કે દહિસર સ્ટેશન તરફ જતી જોવા મળી હતી. મુંબઈની જીવાદોરી કહેવાતી લોકલ ટ્રેનોમાં દરરોજ 85 લાખ જેટલા લોકો સફર કરે છે.