મુંબઈઃ મહાનગરપાલિકા દ્વારા પૂર્વ મુંબઈના ભાંડુપ ઉપનગરમાં જૂના મહાસંતુલન જળાશયમાંથી શરૂ થતી તાનસા પાણી પાઈપલાઈન અને બીપીટી (બ્રેક પ્રેશર ટનલ) પાઈપલાઈનનું બાંધકામ હાથ ધરવાનું હોવાથી અને તે પાઈપલાઈનને નવા મહાસંતુલન જળાશયમાંથી નીકળતી તાનસા પાઈપલાઈન સાથે જોડવાનું કામ હાથ ધરવાનું હોવાથી 4 ઓગસ્ટના ગુરુવારે ઘણા ભાગોમાં પાણી પુરવઠો ખોરવાઈ જશે. ઘણા ભાગોમાં પાણી સપ્લાય બંધ રહેશે તો બીજા ઘણા ભાગોમાં 15 ટકા જેટલો પાણીકાપ રહેશે.
બાંધકામ અને એન્જિનિયરિંગ કામ ગુરુવારે સવારે 10 વાગ્યાથી શરૂ થશે અને મધરાત સુધી ચાલુ રહેશે. તેથી એ સમયગાળા દરમિયાન પાણી પુરવઠો ખંડિત થશે. મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ, બાન્દ્રા ટર્મિનસ, ધારાવી, વિક્રોલી, ભાંડુપ, પૂર્વ મુંબઈના અનેક ભાગોમાં પાણી સપ્લાયમાં ધરખમ કાપ રહેશે.
સત્તાવાળાઓએ રહેવાસીઓને અપીલ કરી છે કે તેઓ પાણી ભરી રાખે અને વાપરવામાં ખૂબ સંભાળ-સંયમ જાળવે. આ સમય દરમિયાન, પશ્ચિમ તથા પૂર્વ ભાગના તમામ વિસ્તારોમાં પાણી પુરવઠામાં 15 ટકાનો ઘટાડો કરવામાં આવશે.
આ વિસ્તારોમાં ગુરુવારે પાણીપુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશેઃ
ગાંવદેવી હિલ, સર્વોદય નગર, કાંજુરમાર્ગથી વિક્રોલી સ્ટેશન સુધીના લાલબહાદુર શાસ્ત્રી પર બંને તરફ, સૂર્યનગર, ચંદન નગર અને તેની આસપાસના મહોલ્લા. ઉપરાંત, રમાબાઈ નગર એક અને બે, ટેંભીપાડા, એન્થનીઝ ચર્ચ, કામરાજ નગર પ્રીસિન્ક્ટ, પાટકર કમ્પાઉન્ડ પ્રીસિન્ક્ટ, સાઈ હિલ, સાઈ વિહાર, નરદાસ નગર, શિવાજી નગર, આરે રોડ, મોરારજી નગર, ગૌતમ નગર, જયભીમ નગર, ફિલ્ટર પાડા, પઠાણવાડી, ધારાવી તથા આસપાસના મહોલ્લા.
N-વિભાગઃ વીર સાવરકર માર્ગ, વિક્રોલી (વેસ્ટ), વિક્રોલી વિલેજ, ગોદરેજ હોસ્પિટલ.
K/પૂર્વ વિભાગઃ ચકાલા, પ્રકાશવાડી, ગોવિંદવાડી, મલપા ડોંગરી નંબર-1, હનુમાનનગર, મોટાનગર, શિવાજીનગર, શહીદ ભગતસિંહ કોલોની, ચરતસિંહ કોલોની, મુકંદ હોસ્પિટલ.
L-વિભાગઃ કુર્લાના વિસ્તારોમાં 15 ટકા પાણી કાપ.