મુંબઈના રસ્તાઓ માટે નવો નિયમ આવશે: 60 કિ.મી. પ્રતિ કલાક સમાન સ્પીડ લિમિટ

મુંબઈ – આ મહાનગરમાં માર્ગ અકસ્માતો ઘટાડવા માટે ટ્રાફિક વિભાગે અનેક પગલાં લીધા છે.

રોડ સેફ્ટી માટે વિભાગ બીજા ઘણા પગલાં લઈ રહી છે. એમાંનું એક પગલું છે શહેરના તમામ માર્ગો પર 60 કિ.મી. પ્રતિ કલાકની સમાન સ્પીડ લિમિટ લાગુ કરવી.

મિડ-ડેના અહેવાલ અનુસાર, ટ્રાફિક વિભાગનો દાવો છે કે એણે લીધેલા અનેક પગલાંને લીધે મુંબઈમાં ગયા વર્ષે માર્ગ અકસ્માતોની સંખ્યામાં 15-20 ટકાનો ઘટાડો થયો છે.

હાલ ઈસ્ટર્ન ફ્રીવે અને બાન્દ્રા-વરલી સી લિન્ક પર વાહનો માટે સ્પીડ લિમિટ 80 કિ.મી. પ્રતિ કલાક છે, પણ ડ્રાઈવરો ઘણી વાર એનાથી વધારે સ્પીડમાં કાર ભગાવતા હોય છે.

આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ટ્રાફિક વિભાગ સમગ્ર શહેરમાં સમાન સ્પીડ લિમિટ લાગુ કરવા ધારે છે. પોલીસનું કહેવું છે કે મોટરચાલકો ઘણી વાર રસ્તાને ખાલી જોઈને કાર વધારે સ્પીડમાં ભગાવતા હોય છે. તેથી ટ્રાફિક વિભાગ હવે માર્ગો પર વધારે સ્પીડ કેમેરા ઈન્સ્ટોલ કરવાનો છે.

ટ્રાફિક વિભાગના નિર્ણયો…

  • ભવિષ્યમાં 60 કિ.મી. પ્રતિ કલાકની યુનિફોર્મ સ્પીડ લિમિટ લાગુ કરાશે
  • જ્યાં અકસ્માતો થવાનું સૌથી વધારે જોખમ રહેતું હોય છે એવા 52 સ્થળોને ઓળખી કઢાયા
  • પોલીસે મુંબઈમાં 40 મહત્ત્વના સ્થળોએ સ્પીડ કેમેરા ઈન્સ્ટોલ કર્યા છે.