મુંબઈમાં HDFC બેન્કના એક્ઝિક્યૂટિવની પ્રોફેશનલ દુશ્મનાવટને કારણે હત્યા; પાંચ આરોપીની ધરપકડ

મુંબઈ – એચડીએફસી બેન્કના મુંબઈ સ્થિત વાઈસ-પ્રેસિડન્ટ સિદ્ધાર્થ સંઘવી, જે ચાર દિવસથી લાપતા હતા, એમનો મૃતદેહ મળી રવિવારે આવ્યો હતો. પોલીસે હત્યાનો કેસ નોંધ્યો છે અને આ બનાવના સંબંધમાં ચાર જણને અટકમાં લીધા છે.

39 વર્ષના સંઘવી દક્ષિણ મુંબઈના મલબાર હિલ વિસ્તારમાં એમના પત્ની અને ચાર વર્ષના પુત્રની સાથે રહેતા હતા.

સંઘવી ગયા બુધવારે, પાંચ સપ્ટેંબરે સાંજે 7.30 વાગ્યે લોઅર પરેલમાં કમલા મિલ્સ કમ્પાઉન્ડસ્થિત એમની ઓફિસેથી રવાના થયા બાદ ઘેર પહોંચ્યા નહોતા. તેથી એમના પત્નીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

સંઘવીની કાર 6 સપ્ટેંબરે મુંબઈની પડોશના થાણે જિલ્લાના કલ્યાણમાંથી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી હતી. એની સીટ પર લોહીના ડાઘ જોવા મળ્યા હતા.

તપાસને પગલે પોલીસે એક ટેક્સી ડ્રાઈવરની ધરપકડ કરી છે, જેણે કબૂલ કર્યું છે કે એણે હત્યારાઓના કહેવાથી સંઘવીના મૃતદેહને કલ્યાણમાં હાજી મલંગ દરગાહ નજીક ફેંકી દીધો હતો.

પોલીસનું કહેવું છે કે સંઘવીની હત્યા પ્રોફેશનલ દુશ્મનાવટને કારણે કરવામાં આવી હોય એવું લાગે છે.

પકડાયેલો ટેક્સી ડ્રાઈવર 20 વર્ષનો સરફરાઝ શેખ ઉર્ફે રઈસ છે, જે નવી મુંબઈના કોપરખૈરણેનો રહેવાસી છે. કહેવાય છે કે સંઘવીની હત્યા કરવા માટે એને રોકવામાં આવ્યો હતો.

શેખની ધરપકડને પગલે પોલીસે અન્ય ચાર જણને પણ પકડ્યા છે જેમાં એક મહિલા છે.

આરોપી ડ્રાઈવરને નવી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ પકડ્યો હતો અને એની સોંપણી મુંબઈ પોલીસને કરી દીધી છે.

સંઘવીની હાલમાં જ વાઈસ-પ્રેસિડન્ટ પદ પર બઢતી કરવામાં આવી હતી.