મુંબઈની લોકલ ટ્રેનને કલાત્મક રૂપ: ‘એક્વેરિયમ’ થીમવાળા લેડિઝ કોચ

0
1517

મુંબઈ – મધ્ય રેલવેએ મુંબઈમાં તેના ઉપનગરીય નેટવર્ક પરની બે લોકલ ટ્રેનના ડબ્બાઓને કુદરતી રૂપ-રંગથી સુશોભિત કર્યા છે. એવા બે કોચને એણે ‘એક્વેરિયમ’ થીમના ઈન્ટીરિયર સાથે સજાવ્યા છે. આ આકર્ષક સુશોભન મહિલાઓનાં ડબ્બામાં કરવામાં આવ્યું છે.

બંને કોચની ડિઝાઈન માટુંગામાં આવેલી રેલવેની વર્કશોપમાં તૈયાર કરવામાં આવી છે. આમાં એક ડબ્બો ફર્સ્ટ ક્લાસનો છે અને બીજો સેકન્ડ ક્લાસનો.

મધ્ય રેલવેએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ડબ્બાને રીડિઝાઈન કરવા પાછળનો હેતુ લોકલ ટ્રેનમાં લોકોનાં સફરને લગતા રોજિંદા અનુભવમાં સુધારણા લાવવાનો છે.

માટુંગા વર્કશોપના એન્જિનીયરોએ મધ્ય રેલવેની ઉપનગરીય EMU (ઈલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ) ટ્રેનના બે ડબ્બામાં ઈન્ટીરિયરની સાઈડની તથા છેડા પરની (એન્ડ) વોલ્સ પર કુદરતી થીમનું ચિત્રણ કર્યું છે.

આ આર્ટવર્કમાં અન્ડરવોટર દુનિયા, મરીન લાઈફને પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ પેઈન્ટિંગ્સ માટુંગા વર્કશોપના ચંદુ અગુરુ અને અમોલ દાભડેએ તૈયાર કર્યા છે.