મુંબઈમાં આ અઠવાડિયે ભારે વરસાદની આગાહી; એ દિવસોમાં ઘરમાં જ રહેવાની લોકોને સલાહ

મુંબઈ – શહેર અને ઉપનગરોમાં આ અઠવાડિયે (6-10 જૂન દરમિયાન) જોરદાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. એ દિવસોમાં ઘરમાં જ રહેવાની મુંબઈગરાંઓને હવામાનનો વરતારો કરતી ખાનગી એજન્સી સ્કાયમેટ તરફથી સલાહ આપવામાં આવી છે.

8 અને 10 જૂન વચ્ચે મહારાષ્ટ્રના પશ્ચિમી કાંઠા પર, ખાસ કરીને મુંબઈમાં મુસળધાર વરસાદ પડે એવી સંભાવના છે.

સરકારે કહ્યું છે કે ચોમાસું જોર પકડી રહ્યું છે. 6-8 જૂને મહારાષ્ટ્રમાં ચોમાસું બેસી જવાની ધારણા છે. 7 જૂને કેરળ, કર્ણાટકના કાંઠાળ વિસ્તારો, કોંકણ પટ્ટા વિસ્તાર અને ગોવામાં જોરદાર વરસાદ પડી શકે છે. 10 જૂન પછી આ વિસ્તારોમાં પૂર આવવાની પણ સંભાવના છે.

ભારતીય હવામાન વિભાગે તેના બુલેટીનમાં જણાવ્યું છે કે 6 જૂનથી મહારાષ્ટ્ર અને ગોવા રાજ્યોના ભાગોમાં વરસાદનું જોર વધશે. 6 અને 8 જૂન દરમિયાન આ ભાગોમાં નૈઋત્યનું ચોમાસું આગળ વધશે.

સ્કાયમેટનું કહેવું છે કે 8-10 જૂન દરમિયાન મુંબઈમાં અનરાધાર વરસાદ પડી શકે છે અને એ દિવસોમાં લોકોએ ઘરની અંદર જ રહેવું હિતાવહ રહેશે.

સ્કાયમેટના વાઈસ-પ્રેસિડન્ટ મહેશ પાલાવતનું કહેવું છે કે કોંકણ અને ગોવા પર એક વાવાઝોડું આકાર લઈ રહ્યું છે. એ ધીમે ધીમે ઉત્તર તરફ અને મહારાષ્ટ્રના કાંઠા પરથી આગળ વધશે. એ દિવસોમાં એટલે કે 6-10 જૂન દરમિયાન મુંબઈ, દહાણુ, થાણે, રત્નાગિરી, સિંધુદુર્ગમાં ભારેથી અતિ ભારે અને અતિશય ભારે વરસાદ પડી શકે છે.

10-11 જૂનથી સુરત, વલસાડ તથા દક્ષિણ ગુજરાતના બાજુના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડી શકે છે.