1-ફેબ્રુઆરીથી મુંબઈમાં સૌને માટે લોકલ-ટ્રેન સેવા શરૂ

મુંબઈઃ કોરોના વાઈરસ મહાબીમારી ફેલાઈ હોવાને કારણે છેલ્લા 10 મહિનાથી લોકલ ટ્રેન સેવા ઉપલબ્ધ ન થવાથી પરેશાન થઈ ગયેલી મુંબઈની આમજનતાને માટે આનંદના સમાચાર છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનના કાર્યાલય તરફથી આજે જાહેરાત કરવામાં આવી છે કે મુંબઈમાં ઉપનગરીય ટ્રેન સેવા 1 ફેબ્રુઆરીથી સંપૂર્ણપણે કાર્યરત થશે. આ લોકલ ટ્રેન સેવાઓ સામાન્ય જનતા માટે પણ સંપૂર્ણ રીતે ખુલ્લી મૂકવામાં આવશે, પરંતુ શરૂઆતમાં એ મર્યાદિત સમય માટે રહેશે, કારણ કે સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોનું પાલન કરવાનું રહેશે માટે. લોકલ ટ્રેન સેવાઓ નિશ્ચિત કરાયેલા સમય અનુસારની રહેશે. જેમ કે, પહેલા તબક્કામાં સવારે પહેલી ટ્રેન શરૂ થાય તે સવારે 7 વાગ્યા સુધી, ત્યારબાદ બપોરે 12થી સાંજે 4 સુધી અને રાતે 9 વાગ્યાથી દિવસની આખરી ટ્રેન દોડે ત્યાં સુધી. મતલબ કે, ધસારાના સમયમાં હજી તમામ લોકોને લોકલમાં સફર કરવા નહીં દેવાય, એટલે કે સવારે 7 બપોરે 12 સુધી અને સાંજે 4થી રાતે 9 વાગ્યા સુધી. અન્ય સમયમાં, ઉપનગરીય ટ્રેન સેવાઓ માત્ર આવશ્યક સેવાઓમાં સંકળાયેલા લોકો માટે જ ખુલ્લી રહેશે.

અગાઉ એવો અહેવાલ હતો કે મુંબઈમાં લોકલ ટ્રેન સેવા 29 જાન્યુઆરીથી સંપૂર્ણ રીતે કાર્યરત થશે.