ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ-સલામતી સપ્તાહની ઉજવણી

અમદાવાદઃ દેશમાં ૩૨મા માર્ગ- સલામતી સપ્તાહની ઉજવણી શરૂ થઈ ગઈ છે. જેના ભાગરૂપે બેનર્સ, પોસ્ટર્સ, પ્લે-કાર્ડ સાથે શહેર પોલીસની ટ્રાફિક શાખા સાથે સંકળાયેલા કર્મચારીઓ ઊભા રહ્યા હતા. શહેરના એસ. જી. હાઇવે પર આવેલા પકવાન ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસના કર્મચારીઓ, ટીઆરબી, હોમગાર્ડઝના જવાનો માર્ગ-સલામતી સપ્તાહની ઉજવણીના ભાગ રૂપે ઠેર-ઠેર ઊભા રહીને વાહનચાલકો ને ટ્રાફિક નિયમન, સુરક્ષા- સાવચેતીની પણ સમજણ આપતા હતા.

હાઇવે પર ઊભેલા ટ્રાફિક શાખા સાથે સંકળાયેલા કર્મચારીઓએ હાથમાં- ટ્રાફિકના નિયમોનું પાલન કરો, સલામત રહો, નશો કરી વાહનના ચલાવો, સીટ બેલ્ટ અવશ્ય પહેરો , હેલ્મેટ અવશ્ય પહેરો જેવાં પ્લે-કાર્ડ, બેનર્સ અને પોસ્ટર્સ સાથે ઊભા રહ્યા હતા. ટ્રાફિક પોલીસના કર્મચારી શેખ  કહે છે કે અમે વાહનચાલકો ને વાહન ધીરે ચલાવવા તેમ જ ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું કહીએ. હેલ્મેટ અને સીટ બેલ્ટના ફાયદા પણ જણાવીએ છે.

સતત વધતી જતી વસ્તી અને વાહનોની સંખ્યાના કારણે ટ્રાફિકની સમસ્યા વિકરાળ બનતી જાય છે. પૂર્વ-પશ્ચિમ વિસ્તારમાં ટ્રાફિકના યોગ્ય નિયમન માટે રસ્તા પહોળા થઈ રહ્યા છે, ફ્લાયઓવર અને અન્ડર પાસ પણ મોટા પ્રમાણમાં બની રહ્યા છે.

શહેરમાં સારા માર્ગોની સાથે મોટી સંખ્યામાં તાલીમાર્થી ટ્રાફિક સ્ટાફ અને વાહનચાલકોની સ્વયં શિસ્ત ખૂબ જ જરૂરી છે. ટ્રાફિકના નિયમો , કાયદાનું પાલન થાય તો જ માર્ગ-સલામતી સપ્તાહની ઉજવણી સફળ થાય.

(પ્રજ્ઞેશ વ્યાસ)