ગોરેગાંવ ફિલ્મસિટીમાં મોટી આગમાં ટીવી-સિરિયલનો સેટ બળીને રાખ

મુંબઈઃ અહીંના ગોરેગાંવ (પૂર્વ) ઉપનગરમાં આવેલા ફિલ્મસિટી (દાદાસાહેબ ફાળકે ચિત્રનગરી) ખાતે આજે એક મોટી આગ લાગતાં ખળભળાટ મચી ગયો હતો. આગમાં એક ટીવી સિરિયલનો સેટ બળીને રાખ થઈ ગયો છે. સદ્દભાગ્યે કોઈને ઈજા થઈ નથી.

‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ ટીવી સિરિયલના સેટ પર આજે સાંજે લગભગ સાડા ચાર વાગ્યાના સુમારે આગ લાગી હતી. 2,000 સ્ક્વેર ફીટમાં પ્રસરેલા એક સ્ટુડિયોમાં આગ લાગી હતી. તે ભોંયતળિયા સુધી જ મર્યાદિત રહી હતી, પરંતુ આગ ગંભીર પ્રકારની હતી. એની જ્વાળા બાજુના સેટ સુધી પણ પહોંચી હતી. ‘તેરી મેરી દૂરિયાં’ અને ‘અજુની’ ટીવી સિરિયલોના સેટને પણ નુકસાન થયું છે.

આગના કારણની જાણ થઈ નથી. દુર્ઘટનાની જાણ થયા બાદ અગ્નિશામક દળના જવાનો તરત જ ત્યાં પહોંચી ગયા હતા અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. દુર્ઘટનાસ્થળે ફસાયેલાં અનેક લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.