મુંબઈઃ દક્ષિણ મુંબઈમાં પી.ડીમેલો રોડને ઘાટકોપર-માનખુર્દ લિન્ક રોડ સાથે જોડતો ઈસ્ટર્ન ફ્રીવે આ શહેરમાં સૌથી જોખમી રોડ તરીકે ઉભરી આવ્યો છે. આ 16.8 કિ.મી. લાંબો રોડ મહારાષ્ટ્ર સરકાર હસ્તકની મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) સંસ્થાએ રૂ. 1,106 કરોડના ખર્ચે બનાવ્યો છે. 2015ની સાલમાં તેણે આ રોડ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ ગ્રેટર મુંબઈ (એમસીજીએમ)ને સુપરત કર્યો હતો. પરંતુ, આ રોડ, ખાસ કરીને રાતના સમયે જોખમી બની જાય છે. એક અખબારી અહેવાલ મુજબ, વાહનચાલકોની ફરિયાદ છે કે રોડ પર, ખાસ કરીને બોગદું પસાર કર્યા બાદ ઉત્તર તરફની દિશામાં છેલ્લા કેટલાય મહિનાઓથી સ્ટ્રીટ લાઈટ્સ બંધ પડેલી હોય છે અને બોગદાની છતમાંથી પાણી ટપક્યા કરતું હોય છે. આ પટ્ટો એવો છે જે રોડને બે ભાગમાં વહેંચે છે. જમણી બાજુની લેન્સ ઘાટકોપર-માનખુર્દ લિન્ક રોડ તરફ જાય છે જ્યારે ડાબી બાજુની લેન ચેંબૂરમાં શિવાજી પ્રતિમા તરફ લઈ જાય છે. સ્ટ્રીટ લાઈટ્સ અને રીફ્લેક્ટર્સ ન હોવાથી વાહનોનો અકસ્માત થવાનું જોખમ વધી જાય છે. જે વાહનચાલકો રોડના વિભાજનથી વાકેફ ન હોય એમને અકસ્માત નડવાનું જોખમ રહે છે.
વરસાદની મોસમમાં, જ્યારે વિઝિબિલિટી ખરાબ હોય છે ત્યારે અહીંની હાલત વધારે જોખમી બની જાય છે. ટનલમાં પણ ત્રણ સ્થળે છત પરથી પાણી પડતું હોય છે. અચાનક તમારા વાહનના વિન્ડસ્ક્રીન પર પાણી પડે એટલે તમારી આંખે અંધારું આવી જાય. ચોમાસા સિવાયની મોસમોમાં પણ આ ત્રણ સ્થળે પાણી સતત પડ્યા કરતું હોય છે. ચોમાસામાં ફ્રીવે પર અનેક ઠેકાણે પાણીના ખાબોચિયા ભરાયેલા હોય છે. પરંતુ મહાપાલિકાવાળા આની દરકાર કરતા નથી. વળી,દક્ષિણ તરફની ટનલમાં રીપેરિંગ કામ ચાલતું હોવાથી પ્રકાશ બહુ ઓછો હોય છે. પરિણામે મહાપાલિકા દ્વારા મૂકવામાં આવેલા અવરોધો નજરે ચડતા નથી. રોડ પર વાહનચાલકો માટે વોર્નિંગની નિશાની પણ મૂકાઈ નથી. ફ્રીવે મોટરબાઈક સવારો માટે પ્રતિબંધિત ઝોન છે તે છતાં ઘણી વાર અનેક બાઈક્સ જતી જોવા મળે છે.