મુંબઈમાં વરસાદનું ‘રેડ એલર્ટ’ શુક્રવાર સવાર સુધી લંબાવાયું

મુંબઈઃ આજે મહારાષ્ટ્રભરમાં ભારે વરસાદે જનજીવનને પાંગળું કરી દીધું છે. આમાં મુંબઈ શહેર પણ બાકાત રહ્યું નથી. મુંબઈગરાઓ માટે હવામાન વિભાગની ચેતવણી છે કે ભારે વરસાદનું રેડ એલર્ટ, જે આજ માટે ઘોષિત કરવામાં આવ્યું છે, તે આવતીકાલે સવારે 8 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યું છે. મહાનગરપાલિકા પ્રશાસને નાગરિકોને અપીલ કરી છે કે તેઓ સાવચેત રહે. આવતીકાલે સવારે 8 વાગ્યા સુધી અતિ ભારે વરસાદ ચાલુ રહેશે. તેથી નાગરિકોએ ખાસ કામ વગર ઘરની બહાર નીકળવું નહીં.

આજે સવારથી ચાલુ થયેલા અને બપોરે તથા સાંજે અતિશય જોર સાથે ખાબકેલા વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. દક્ષિણ મુંબઈના મરીન લાઈન્સ અને ચર્ચગેટ સ્ટેશનમાં રસ્તાઓ પર ભરાયેલા પાણીની તસવીરો અને વિડિયો ઈન્ટરનેટ પર ફરી રહ્યા છે. માટુંગા ઉપનગરમાં હાઈવે એપાર્ટમેન્ટ નજીકના રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે.