મહારાષ્ટ્રના એક પ્રધાન (કેસરકર)ની બીજા પ્રધાન (ભુજબળ)એ ઝાટકણી કાઢી

મુંબઈઃ ‘મેં શિર્ડીમાં જઈને ભગવાનને પ્રાર્થના કરી એટલે કોલ્હાપૂરમાં પૂર આવ્યું નહીં.’ મહારાષ્ટ્રના શાળાકીય શિક્ષણ ખાતાના પ્રધાન દીપક કેસરકરે કરેલો આ અજબગજબ દાવો ચર્ચાસ્પદ બન્યો છે. કેસરકરના આ દાવાની એમના સાથી પ્રધાન, અન્ન-નાગરી પુરવઠા પ્રધાન છગન ભુજબળે હાંસી ઉડાવી છે અને એમને ટોણો માર્યો છે.

પત્રકારો સાથે વાતચીત કરતાં કેસરકરે એમ કહ્યું હતું કે, ‘તમે અંધશ્રદ્ધા ગણો, શ્રદ્ધા ગણો કે બીજું કંઈ. પૂરની પરિસ્થિતિ હતી ત્યારે હું યોગાનુયોગ શિર્ડીમાં હતો. કોલ્હાપૂરના રાધાનગરી ડેમમાંથી પાણી છોડવામાં આવે તો જળસ્તર પાંચ ફૂટ વધી જાય છે. પરંતુ હું યોગાનુયોગ એ વખતે શિર્ડીમાં હતો એટલે એક ફૂટ પણ જળસ્તર વધ્યું નહોતું. હું હઠ પકડીને બેઠો હતો. મેં ભગવાનને પ્રાર્થના કરી હતી કે તમે આ જળસંકટને ટાળી દેજો. મારી પ્રાર્થનામાં તાકાત હતી. આધ્યાત્મિક્તામાં શક્તિ હોય છે.’

કેસરકરના ઉપરના નિવેદનની ભુજબળે મજાક ઉડાવી છે અને કહ્યું કે, ‘કેસરકરને કહો કે અહીંયા નાશિકમાં આવે અને ભગવાનને પ્રાર્થના કરે કે આ જિલ્લાના ડેમ ભરી આપે. અહીંયા આવો અને પ્રાર્થના કરીને નાશિકના ડેમને 50 ટકા ભરાવી આપો.’