HPCL-પ્લાન્ટમાંથી શંકાસ્પદ કેમિકલ-પાવડર ઉડતાં ચેમ્બૂરનાં રહેવાસીઓ ગભરાયાં

મુંબઈઃ ઈશાન મુંબઈના ચેમ્બૂર ઉપનગરના માહુલ વિલેજ વિસ્તારમાં આવેલી HPCL રીફાઈનરીમાંથી એક શંકાસ્પદ રાસાયણિક પાવડર આસપાસનાં રહેવાસીઓનાં ખાદ્યપદાર્થો અને વાહનો પર પડતાં લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આ ઘટના ગઈ કાલે શનિવારે રાતે લગભગ 11 વાગ્યે બની હતી. માહુલ વિલેજ વિસ્તારના ગાવન પાડા મોહલ્લાના રહેવાસીઓ એમનાં ઘરની બહાર એક ઉત્સવ ઉજવી રહ્યાં હતાં ત્યારે બાજુમાં આવેલી હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની રીફાઈનરીમાંથી કોઈક પાવડર ઉડીને એમનાં ખાદ્યપદાર્થો અને વાહનો પર પડતો એમણે જોયો હતો.

ચિંતિત થયેલાં લોકોએ તરત જ સ્થાનિક પોલીસ અને અગ્નિશામક વિભાગને જાણ કરી હતી. પોલીસ, અગ્નિશામક અને મહાનગરપાલિકાનાં અધિકારીઓ તરત જ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને રીફાઈનરીના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. પ્લાન્ટના અધિકારીઓને ત્યાંનું કામકાજ બંધ કરી દેવાનું જણાવાયું હતું. પોલીસ, અગ્નિશામક અને મહાપાલિકાના અધિકારીઓ મધરાત બાદ બે વાગ્યા સુધી વિસ્તારમાં હાજર રહ્યાં હતાં. શંકાસ્પદ પાવડર ઉડવાનું તે પછી બંધ થઈ ગયું હતું.

વિસ્તારના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર શ્રીહરિ ગવાટેએ કહ્યું હતું કે તે કોઈ ઝેરી પદાર્થ નહોતો. જોકે પ્લાન્ટના અધિકારીઓને કામચલાઉ ધોરણે પ્લાન્ટ બંધ કરી દેવાનું અને સમસ્યા દૂર કરવાનું કહેવામાં આવ્યું હતું. અમે ફેક્ટરીના ઈન્સ્પેક્ટર અને કેમિકલ પોલ્યૂશન કન્ટ્રોલ તરફથી અહેવાલની રાહ જોઈ રહ્યાં છીએ. તેના આધારે જ અમે જરૂર લાગશે તો આગળનું પગલું ભરીશું.