મુંબઈઃ મધ્ય રેલવેએ મુંબઈમાં 2021ના એપ્રિલથી 16 માર્ચ, 2022 સુધીમાં ઉપનગરીય, મેલ, એક્સપ્રેસ, પેસેન્જર તથા સ્પેશિયલ ટ્રેનોમાં ટિકિટ વગર પ્રવાસ કરનાર તથા નિયમોનું ઉલ્લંઘન કરીને પ્રવાસ કરનાર લોકો પાસેથી દંડ રૂપે રૂ. 200 કરોડ વસૂલ કર્યા હતા.
મધ્ય રેલવેએ નક્કી કર્યું છે કે તે પ્રામાણિક રેલવે પ્રવાસીઓને વધારે સારી સેવાઓ પૂરી પાડશે અને ટિકિટ વગર પ્રવાસ કરવાની વૃત્તિને અંકુશમાં લાવશે. એ માટે તેણે ટિકિટ ચેકિંગને કડક અને વ્યાપક બનાવી દીધું છે. મધ્ય રેલવેના ટિકિટ ચેકરોની સાથે વિજિલન્સ ટીમ પણ ખુદાબક્ષ (મફતિયા) મુસાફરો વિરુદ્ધની ઝુંબેશમાં જોડાઈ છે. ઉક્ત સમયગાળા દરમિયાન કોરોનાવાઈરસને લગતા નિયંત્રણોનો ભંગ કરવા બદલ 56,443 લોકોને પકડવામાં આવ્યા હતા અને એમની પાસેથી દંડ રૂપે કુલ રૂ. 88.78 લાખની રકમ વસૂલ કરવામાં આવી હતી.