રસી ન લેનાર કર્મચારીઓ સામે કડક-પગલાં લેવાશે

મુંબઈઃ દુનિયાભરમાં કોરોનાવાઈરસના નવા ઓમિક્રોન સ્ટ્રેને ભારે ગભરાટ ફેલાવ્યો છે ત્યારે મુંબઈ મહાનગરપાલિકા (BMC)ના કમિશનર ઈકબાલસિંહ ચહલે  ચેતવણી આપી છે કે શહેરમાં શોપિંગ મોલ્સ, સિનેમાગૃહો અને દુકાનોમાં કામ કરતા જે કર્મચારીઓએ કોરોના-વિરોધી રસીના બંને ડોઝ નહીં લીધા હોય એમની સામે કડક પગલાં ભરવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનર ચહલે ગઈ કાલે મહાનગરપાલિકા તથા અન્ય સંબંધિત વિભાગોના ટોચના અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ બેઠક કરી હતી. એમાં જોઈન્ટ પોલીસ કમિશનર વિશ્વાસ નાંગ્રે-પાટીલ, છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટના અધિકારીઓ, તમામ મ્યુનિસિપલ હોસ્પિટલોના સુપ્રીન્ટેન્ડન્ટ્સ અને કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. બેઠકમાં કમિશનર ચહલે એવી ચિંતા પણ વ્યક્ત કરી હતી કે ઘણા નાગરિકો કોરોના-પ્રતિરોધક નિયમોનું પાલન કરતા નથી. તેથી એવા લોકો સામે કડક પગલાં ભરવાનું ફરી શરૂ કરવું જોઈએ. માત્ર એવા નાગરિકોને જ જાહેર સ્થળોએ ફરવા દેવા જોઈએ જેમણે રસીના બંને ડોઝ લઈ લીધા હોય.

કમિશનર ચહલે નાગરિક પ્રશાસનને આદેશ આપ્યો છે કે જ્યાં ઓમિક્રોન કોરોના વેરિઅન્ટના કેસો નોંધાયા છે તે આફ્રિકી દેશોમાંથી આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનું કડક સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગ કરવામાં આવે. એવા ચેપી પ્રવાસીઓને અલગ રાખવા અને એમની જીનોમ સીક્વેન્સિંગ ટેસ્ટ કરવી.