આગની ઘટનાઓને કારણે ‘બેસ્ટ’ની 400 બસ સેવામાંથી હટાવી લેવાઈ

મુંબઈઃ મહાનગરપાલિકા સંચાલિત ‘બેસ્ટ’ વહીવટીતંત્રની અમુક સિટી બસોમાં આગ લાગવાની તાજેતરમાં બનેલી ઘટનાઓને કારણે કંપનીએ 400 જેટલી બસોને આજથી પાછી ખેંચી લીધી છે. આને કારણે પ્રવાસીઓની હાડમારી વધી જશે. એક જ મહાનમાં બસમાં આગ લાગવાના ત્રણ બનાવ બનતાં મહાનગરપાલિકા-‘બેસ્ટ’ વહીવટીતંત્ર સતર્ક થઈ ગયા છે.

એક એરકન્ડિશન્ડ બસ ગઈ કાલે સાંજે અંધેરી (પૂર્વ)માં પોલીસ સ્ટેશનની પાછળના જ ભાગમાં આગરકર ચોક ડેપો પાસે આગમાં સંપૂર્ણપણે રાખ થઈ ગઈ હતી. 20 મિનિટમાં આગ બુઝાવી દેવામાં આવી હતી. સદ્દભાગ્યે કોઈને ઈજા થઈ નહોતી. અન્ય એક બનાવ 25 જાન્યુઆરીએ બાન્દ્રા નજીક અને ત્રીજો 11 ફેબ્રુઆરીએ અંધેરી (પૂર્વ)ના ચકાલા વિસ્તારમાં બન્યો હતો. પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં લઈને અને આગના બનાવો ભવિષ્યમાં ફરી ન બને એ માટે વહીવટીતંત્રએ ટેક્નિકલ ખામીવાળી 400 બસોને સેવામાંથી પાછી લઈ લીધી છે.

આગના બનાવ મેસર્સ માતેશ્વરી અર્બન ટ્રાન્સપોર્ટ લિમિટેડ કંપની દ્વારા સંચાલિત TATA CNG બસોમાં બન્યા હતા. જ્યાં સુધી મૂળ ઉત્પાદક અને ઓપરેટર કંપનીઓ બસમાંની ટેક્નિકલ ખામીઓ દૂર નહીં કરે ત્યાં સુધી 400 બસોને રોડ પર ઉતારવામાં નહીં આવે. આ 400માંની મોટા ભાગની બસ જોગેશ્વરી, સાંતાક્રુઝ, પ્રતિક્ષા નગર (ચેંબૂર) અને ધારાવી બસ ડેપોમાંથી સંચાલિત થતી હતી.

મુંબઈમાં ‘બેસ્ટ’ કંપની કુલ આશરે 3,600 બસોનું નેટવર્ક ધરાવે છે અને દરરોજ લાખો લોકોને પ્રવાસ કરાવે છે. લોકલ ટ્રેન સેવા સામે ‘બેસ્ટ’ બસ સેવા સહાયકારી વિકલ્પ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]