6.8ની તીવ્રતાના ભૂકંપે અફઘાનિસ્તાન, તાજિકિસ્તાનને હચમચાવ્યા

કાબુલઃ અફઘાનિસ્તાન અને એની પડોશના તાજિકિસ્તાનમાં આજે સવારે ભૂકંપનો તીવ્ર આંચકો આવ્યો હતો. રીક્ટર સ્કેલ પર એની તીવ્રતા 6.8ની નોંધાઈ છે. ચીનના સરહદીય વિસ્તારોમાં પણ ભૂકંપની અસર થઈ હતી. અફઘાનિસ્તાન-તાજિકિસ્તાનમાં આજે સવારે 6.07 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનના ઈશાન ભાગના ફયઝાબાદ શહેરથી 265 કિ.મી. દૂરના અંતરે અને ધરતીથી 20.5 કિલોમીટર ઊંડે       હોવાનું માલુમ પડ્યું હતું. તાજિકિસ્તાનમાં ભૂકંપ બાદ 5.0ની તીવ્રતાનો આફ્ટરશોક અને 4.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ચીનના સત્તાવાર મીડિયાનો અહેવાલ છે કે તેના શીનજિયાંગ અને તાજિકિસ્તાન સાથેના સરહદીય વિસ્તારોમાં 7.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. સદ્દભાગ્યે જાનહાનિ થયાના ક્યાંયથી પણ કોઈ અહેવાલ નથી.

ઉલ્લેખનીય છે કે યૂરોપના તૂર્કી અને સીરિયા દેશોમાં ગઈ 6 ફેબ્રુઆરીએ 7.8ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવ્યો હતો. બે અઠવાડિયા બાદ 6.4ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો અને ત્યારબાદ બીજા 90 આફ્ટરશોક્સ પણ આવ્યા હતા. એ કુદરતી આફતમાં બંને દેશના મળીને 47,000થી વધારે લોકો માર્યા ગયા છે અને હજારો મકાન જમીનદોસ્ત થઈ ગયા છે.