પતંગના માંજાથી ગળું ચીરાઈ જતાં પોલીસ કોન્સ્ટેબલનું મૃત્યુ

મુંબઈઃ અહીંના સાંતાક્રુઝ (પૂર્વ)ના વાકોલા વિસ્તારમાં ગઈ કાલે એક દુઃખદ ઘટના બની હતી. એક પોલીસ કોન્સ્ટેબલ એમની ફરજ પૂરી થયા બાદ પોતાની મોટરસાઈકલ પર એમના ઘેર પાછા ફરતા હતા ત્યારે પતંગના માંજાથી એમનું ગળું ચીરાઈ જતાં એમનું મૃત્યુ નિપજ્યું હતું. સમીર જાધવ નામના કોન્સ્ટેબલ વરલી વિસ્તારની બીડીડી ચાલમાં રહેતા હતા. તેઓ ગોરેગાંવ (પૂર્વ)ના દિંડોશી પોલીસ સ્ટેશનમાં બીટ માર્શલ તરીકે ફરજ બજાવતા હતા. ગઈ કાલે બપોરે તેઓ એમની ફરજ પૂરી થયા બાદ એમની મોટરસાઈકલ પર એમના ઘેર જતા હતા ત્યારે વાકોલા પૂલ પર અચાનક એમની સામે એક પતંગનો માંજો આવ્યો હતો. જોતજોતામાં તે માંજો એમના ગળા ફરતે વીંટળાઈ ગયો હતો અને એમનું ગળું ચીરાઈ ગયું હતું. ગળામાંથી ખૂબ લોહી વહેવા લાગ્યું હતું. એમણે માંજો કાઢવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો, પણ એમ કરવા જતાં તેઓ મોટરસાઈકલ પરથી નીચે પડી ગયા હતા અને ગંભીર રીતે જખ્મી થયા હતા. અમુક રાહદારીઓએ તરત જ ખેરવાડી પોલીસને તેની જાણ કરી હતી.

પોલીસ જવાનો તરત જ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં પડેલા સમીર જાધવને સાયન હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ ત્યાં ડોક્ટરોએ જાધવને મૃત ઘોષિત કર્યા હતા. જાધવના ખિસ્સામાંથી મળેલા ઓળખપત્રના આધારે દિંડોશી પોલીસ સ્ટેશન તથા જાધવના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.