મુંબઈ – રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે ગઈ કાલે એક કાર્યક્રમ દરમિયાન પોતાના સંબોધનમાં અયોધ્યાના મંદિર-મસ્જિદનો વિવાદ ફરી ઉખેડ્યો હતો અને કહ્યું કે રામ મંદિરને ભારતમાંના મુસ્લિમોએ તોડ્યું નહોતું.
ભાગવતે મુંબઈની પડોશના પાલઘર જિલ્લાના દહાણુમાં વિરાટ હિન્દુ સંમેલનમાં બોલી રહ્યા હતા.
એમણે કહ્યું કે, ભારતમાં વસતા મુસ્લિમોએ રામ મંદિરનો નાશ કર્યો નહોતો. ભારતીય નાગરિકો આવું કરે નહીં. વિદેશી તત્વોએ ભારતમાંના મંદિરોનો નાશ કર્યો હતો. એમનો ઈરાદો ભારતીયોને એકબીજા વિરુદ્ધ ઉશ્કેરવાનો હતો.
ભાગવતે કહ્યું કે રામ મંદિર ફરી બાંધવાની દેશની જવાબદારી બને છે. મંદિર જ્યાં હતું એ જ સ્થળે ફરી બંધાવું જોઈએ. અમે એને માટે લડી લેવા તૈયાર છીએ. જો રામ મંદિર અયોધ્યામાં ફરી બંધાશે નહીં તો આપણી સંસ્કૃતિનાં મૂળ ઉખડી જશે.