હું જલ્લાદ બનવા તૈયાર છું: આનંદ મહિન્દ્ર

મુંબઈ – જમ્મુ અને કશ્મીરના કઠુઆ જિલ્લા, ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાના ગામો અને ગુજરાતના સુરત શહેરમાં થયેલા બળાત્કારની ઘટનાઓથી આખો દેશ વ્યથિત છે. એમાંય કઠુઆમાં તો આઠ વર્ષની બાળકી અને સુરતમાં 11 વર્ષની બાળા પર બળાત્કાર કરી એમની હત્યા કરવામાં આવી છે. આ ત્રણ ઘટનાઓથી દેશના નાગરિકોની જેમ ટોચના ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્ર પણ ખૂબ ગુસ્સામાં છે. એમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર તો ત્યાં સુધી લખ્યું છે કે, બાળકીઓના બળાત્કારીઓ અને હત્યારાઓને ફાંસી આપવી હોય તો હું જલ્લાદ બનવા તૈયાર છું.

મહિન્દ્ર ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રના આ ટ્વીટને ટ્વિટર યૂઝર્સ તરફથી જોરદાર પ્રતિસાદ મળ્યો છે.

મહિન્દ્રએ લખ્યું છે કે, અપરાધીને ફાંસી આપવાનું કામ કોઈ મહત્વાકાંક્ષાવાળું નથી પરંતુ નાની બાળકીઓનાં નરાધમ બળાત્કારીઓ અને હત્યારાઓને જો ફાંસી આપવી હોય તો હું સ્વેચ્છાએ જલ્લાદનું કામ કરવા તૈયાર છું.

બળાત્કાર અને હત્યાની ઘટનાઓને વખોડી કાઢવા માટે મુંબઈ, દિલ્હી, પુણે સહિત દેશભરમાં અનેક ઠેકાણે વિરોધ કૂચ કાઢવામાં આવી છે. રાજકીય નેતાઓ ઉપરાંત બોલીવૂડ કલાકારોએ પણ આ બનાવોને સખત શબ્દોમાં વખોડી કાઢ્યા છે.

હવે આનંદ મહિન્દ્રએ પણ ટ્વીટ કરીને પોતાનો રોષ ઠાલવ્યો છે.

મહિન્દ્રના ટ્વીટને નેટિઝન્સે જોરદાર પ્રતિસાદ આપ્યો છે અને ટ્વીટને સાડા ત્રણ હજારથી પણ વધુ વાર રિટ્વીટ કરવામાં આવ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]