મુંબઈઃ માઈક હેન્કીએ અમેરિકાના નવા કોન્સલ જનરલ તરીકેની પોતાની કામગીરી મુંબઈમાં 7 ઓગસ્ટથી સંભાળી લીધી છે. તેઓ ડેવિડ જે. રેન્ઝના અનુગામી બન્યા છે.
મુંબઈમાં ફરજ પર મૂકાયા એ પહેલાં માઈક હેન્કીએ અમ્માનમાં અમેરિકી દૂતાવાસમાં ડેપ્યૂટી ચીફ દ મિશન તરીકે સેવા બજાવી હતી. એ પહેલાં તેઓ યેરુસલેમમાં યૂએસ એમ્બેસીમાં પેલેસ્ટિનિયન અફેર્સ યુનિટના વડા હતા. એમણે ભૂતકાળમાં સાઉદી અરેબિયા, ઈજિપ્ત, ઈરાક, યમન અને નાઈજિરીયામાં પણ રાજદૂત તરીકે સેવા બજાવી હતી. કોન્સલ જનરલ હેન્કી એમના પત્ની અને બે પુત્ર સાથે મુંબઈ આવ્યા છે. એક નિવેદનમાં એમણે કહ્યું કે, હાલ જ્યારે અમેરિકા અને ભારત વચ્ચેનો સંબંધ પહેલાં કરતાં ઘણો જ વધારે મજબૂત છે તેવા સમયે પોતાને પશ્ચિમ ભારતમાં અમેરિકાનું પ્રતિનિધિત્વ કરવા મળ્યું છે એને તેઓ પોતાનું ગૌરવ સમજે છે. ‘ભારત સાથે રાજદ્વારી સંબંધોનું હાલ જ્યારે 75મું વર્ષ ઉજવાઈ રહ્યું છે ત્યારે વિશ્વને વધારે સમૃદ્ધ, મુક્ત અને સુરક્ષિત બનાવવા માટે અમે સાથે મળીને કાર્ય કરવાનું ચાલુ રાખીશું.’