મીઠી નદીની કાયાપલટ માટે BMCનો રૂ.2000-કરોડનો પ્રોજેક્ટ

મુંબઈઃ મહાનગરોમાં અત્યંત ઝડપથી વિસ્તરતા રહેણાંક વિસ્તારોને કારણે હરિયાળા સ્થાનો, સરોવરોને સંભાળવાનું બહુ જ મુશ્કેલ હોય છે. મુંબઈની લીલોતરીનું રક્ષણ કરવા માટે મહાનગરપાલિકા (બીએમસી) સતત પ્રયત્નશીલ રહેતી હોય છે. એ માટે તે ખુલ્લી જગ્યાઓ, સરોવર કાંઠાઓ વગેરે સ્થળોની સફાઈ કરાવી એમને સુશોભિત કરાવે છે, એમની સંભાળ રખાવે છે. 

આ જ પ્રયત્નો અંતર્ગત મહાપાલિકાએ મુંબઈની એકમાત્ર નદી – મીઠી નદીની કાયાપલટ કરવાનું નક્કી કર્યું છે. એ માટે તેણે રૂ. 2,000 કરોડનો એક પ્રોજેક્ટ નક્કી કર્યો છે, જેનું નામ રાખ્યું છેઃ ‘મીઠી રીવર વોટર ક્વાલિટી ઈમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ’. આ પ્રોજેક્ટ અંતર્ગત મીઠી નદીને સ્વચ્છ કરાશે, નદીના કાંઠાઓને સુંદર બનાવાશે. નિચાણવાળા ભાગોમાં વરસાદનું પાણી ભરાય નહીં એટલા માટે 26 ફ્લડગેટ્સ બેસાડવામાં આવશે. તે ઉપરાંત મીઠી નદીના કાંઠે 8.85 કિ.મી. લાંબો પ્રોમિનેડ બનાવવામાં આવશે અને એક સાઈકલ ટ્રેક પણ બનાવવામાં આવશે.

મીઠી નદી એટલે મુંબઈના બે જળાશય – પવઈ લેક અને વિહાર લેકના વધારાના પાણીના નિકાલનો સંગમ છે. આ નદી મોસમી છે અને વરસાદની મોસમમાં તેમાં પાણી ભરાય છે. ઉક્ત બંને જળાશય છલકાય એટલે એમાંનું વધારાનું પાણી આ નદીમાં ઠલવાય છે. આ નદી સંજય ગાંધી નેશનલ પાર્કમાં આવેલા વિહાર લેક (જોગેશ્વરી-અંધેરી પૂર્વ)માંથી નીકળે છે અને બે કિલોમીટર આગળ જતાં પવઈ લેક (અંધેરી પૂર્વ-કાંજુરમાર્ગ)માંનું વધારાનું પાણી એની સાથે જોડાય છે.

ત્યાંથી આગળ વધીને સાકીનાકા, કુર્લા, બાન્દ્રા-કુર્લા કોમ્પલેક્સ, ધારાવી, માહિમ સુધી જાય છે અને ત્યાંથી જમણે વળીને માહિમના અખાતમાં અરબી સમુદ્રમાં ભળી જાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]