મુંબઈઃ હિન્દી તથા મરાઠી ફિલ્મોના અભિનેતા અને દિગ્દર્શક મહેશ માંજરેકરને ખંડણી માટે ફોન પર મેસેજ મોકલનાર અને ફોન કોલ કરનાર એક અજાણ્યા શખ્સને મુંબઈ પોલીસે રત્નાગિરીમાંથી પકડી લીધો છે.
માંજેરકરે મુંબઈના દાદર ઉપનગરના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી કે રૂ. 35 કરોડની ખંડણી આપવાની માગણી કરતો એમને પહેલા એક મેસેજ આવ્યો હતો અને પછી એ જ શખ્સનો ફોન કોલ આવ્યો હતો. ફોન કરનારે પોતે ગેંગસ્ટર અબુ સાલેમની ટોળકીનો સભ્ય છે એવો દાવો કરીને ખંડણી માગી હતી.
માંજરેકરે બે દિવસ પહેલાં આ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તરત જ એ ફરિયાદ એન્ટી-એક્સ્ટોર્શન સેલને ટ્રાન્સફર કરી હતી.
માંજરેકરે કહ્યું કે આ કેસ બહુ સંવેદનશીલ છે અને આમાં ખંડણીના પ્રયાસનો મામલો છે. કેસ વધુ તપાસ માટે એન્ટી-એક્સ્ટોર્શન સેલને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે. મને ફોન પર અમુક મેસેજ આવ્યા હતા. એ માણસે મારી પાસે પૈસા માગ્યા હતા. એટલે મેં પોલીસને જાણ કરી હતી. એ સિવાય મને કંઈ થયું નથી. એ કદાચ ગરીબ છે અને પૈસાની જરૂરને કારણે હતાશામાં આવીને મને મેસેજ કર્યો હશે.
માંજરેકરને જે નંબર પરથી ફોન આવ્યો હતો તે ફોન કરનાર શખ્સના નામથી જ રજિસ્ટર થયો છે.
આ કેસમાં તપાસ હજી ચાલુ છે. પોલીસ એ ચકાસી રહી છે કે એ શખ્સને અબુ સાલેમની ગેન્ગ સાથે ખરેખર કોઈ સંબંધ છે કે નહીં કે પછી સાલેમના નામે છેતરપીંડી કરીને લોકો પાસેથી પૈસા પડાવે છે.
અબુ સાલેમ 1993ના મુંબઈ સિરિયલ બોમ્બધડાકા કેસનો અપરાધી છે અને 25-વર્ષની આજીવન કેદની સજા હેઠળ મુંબઈની આર્થર રોડ જેલમાં છે.
માંજરેકર રાષ્ટ્રીય એવોર્ડવિજેતા નિર્માતા છે. એમણે ‘વાસ્તવ’, ‘અસ્તિત્વ’, ‘વિરુદ્ધ’ જેવી ફિલ્મો બનાવી છે અને ‘ઓ માય ગોડ’ ફિલ્મમાં પણ એમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
માંજરેકરની પુત્રી સઈ માંજરેકરે 2019ના ડિસેંબરમાં સલમાન ખાનની ‘દબંગ 3’ ફિલ્મ સાથે બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. એ ફિલ્મમાં મહેશ માંજરેકરે પણ અભિનય કર્યો હતો.