મહારાષ્ટ્રમાં સ્ટેમ્પ ડ્યૂટીમાં કાપ મૂકાયો; કેટલો ફાયદો થશે?

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં પ્રોપર્ટીના રજિસ્ટ્રેશન પરની સ્ટેમ્પ ડ્યૂટી (મુદ્રાંક શુલ્ક)ના દરમાં ઘટાડો કર્યો છે. પ્રોપર્ટીના સોદાઓ પરની આ ડ્યૂટી જે પહેલા પાંચ ટકા હતી, એ ઘટાડીને બે ટકા કરાઈ છે. સરકારના આ નિર્ણયથી ઘર ખરીદવા ઈચ્છતા લોકોને ફાયદો થશે. ઘરની ખરીદીનો ખર્ચ ઘટી જશે.

સ્ટેમ્પ ડ્યૂટી દર પાંચ ટકાથી ઘટાડીને બે ટકા કરી દેવામાં આવ્યો છે.

સરકારે જાહેરાત કરી છે કે 2020ની 1 સપ્ટેંબર અને 31 ડિસેંબર વચ્ચેના સમયગાળા દરમિયાન જે સોદાઓ કરાશે એની પરની સ્ટેમ્પ ડ્યૂટી પાંચ ટકાને બદલે બે ટકા લેવાશે, મતલબ કે 3 ટકા ઘટાડવામાં આવશે જ્યારે 1 જાન્યુઆરી, 2021થી 31 માર્ચ, 2021 સમયગાળા દરમિયાન આ ડ્યૂટી બે ટકા ઓછી લેવામાં આવશે.

ઘર ખરીદનારને કેટલી બચત થશે

દાખલા તરીકે, મુંબઈના વિલે પારલે ઉપનગરમાં ત્રણ બેડરૂમનો ફ્લેટ ખરીદવા માટે રૂ. 3 કરોડથી વધુનો ખર્ચ થાય. એવી જ રીતે, પુણેના કોરેગાંવ પાર્ક વિસ્તારમાં 3-BHK ફ્લેટ ખરીદવા માટે દોઢ કરોડનો ખર્ચ થાય. ઔરંગાબાદના જ્યોતિ નગરમાં એવડો જ ફ્લેટ ખરીદવા માટે 75 લાખ રૂપિયાનો ખર્ચ થાય. તે છતાં, ઘર ખરીદનારે ઘર વેચનારને બીજો ખર્ચ પણ ચૂકવવો પડે છે. આ પરોક્ષ ખર્ચને કારણે ઘર ખરીદવાનો ખર્ચ સારો એવો વધી જાય. એમાંનો એક ખર્ચ છે સ્ટેમ્પ ડ્યૂટી, જેના દર દેશના જુદા જુદા રાજ્યોમાં સામાન્ય રીતે 4 ટકા અને 8 ટકા વચ્ચે છે.

તે છતાં સ્ટેમ્પ ડ્યૂટીમાં 3 ટકાનો ઘટાડો થવાથી ઘર ખરીદનારને ઉક્ત ત્રણેય શહેરમાં અનુક્રમે રૂ. 9 લાખ, રૂ. 4.5 લાખ અને રૂ. 2.5 લાખનો ફાયદો થશે.

રિયલ એસ્ટેટ સેક્ટરમાં મંદી વ્યાપી ગઈ છે તેથી કોઈક પગલાં લેવાની જરૂર છે એવી આ સેક્ટરના આગેવાનો દ્વારા છેલ્લા ઘણા વખતથી રાજ્ય સરકાર સમક્ષ માગણી કરવામાં આવી હતી.

હવે સરકારે સ્ટેમ્પ ડ્યૂટી ઘટાડી દેતાં રિયલ એસ્ટેટ તેમજ ઘર ખરીદવા ઈચ્છતા લોકો તરફથી નિર્ણયને આવકાર આપવામાં આવ્યો છે.

ઘર ખરીદતી વખતે સ્ટેમ્પ ડ્યૂટી ભરવી ફરજિયાત છે. એને કારણે પ્રોપર્ટી ખરીદવાનો ખર્ચ વધી જતો હોય છે. આમ, સ્ટેમ્પ ડ્યૂટી ઘટવાથી ઘર ખરીદીનો ખર્ચ ઘટી જશે. વધુમાં, એનાથી ઉદ્યોગમાં સેન્ટીમેન્ટ વધશે, ઘર ખરીદીમાં તેજી આવશે, એવું નિરંજન હીરાનંદાનીએ કહ્યું છે, જેઓ એસોચેમ સંસ્થા અને નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલનાં પ્રમુખ છે.

સ્ટેમ્પ ડ્યૂટી ઘટાડી દેવાથી રાજ્ય સરકારની તિજોરી પર મોટો ફટકો પડશે એ પણ એક હકીકત છે. કારણ કે સ્ટેમ્પ ડ્યૂટી એ રાજ્ય સરકારનો મામલો છે. દરેક રાજ્ય પોતપોતાની રીતે સ્ટેમ્પ ડ્યૂટી દર રાખે છે. પ્રોપર્ટી ખરીદનારે મૂળ સોદાની કિંમત અથવા રેડી રેકનર રેટ (સરકારે નક્કી કરેલી પ્રોપર્ટીની લઘુત્તમ કિંમત), આ બેમાંથી જે ઉંચી રકમ હોય એ પ્રમાણે સ્ટેમ્પ ડ્યૂટી ભરવી પડે છે.

નવી દિલ્હીમાં જાતિ-આધારિત સ્ટેમ્પ ડ્યૂટી દર છે. મતલબ કે કોઈ મહિલા પ્રોપર્ટી ખરીદે તો એણે 4 ટકા સ્ટેમ્પ ડ્યૂટી ભરવી પડે છે જ્યારે પુરુષ ગ્રાહકે 6 ટકા ચૂકવવી પડે છે. હરિયાણામાં, શહેરી વિસ્તારોમાં પ્રોપર્ટી ખરીદનાર પુરુષે 8 ટકા જ્યારે મહિલાએ 6 ટકા ચૂકવવી પડે છે. ગ્રામિણ વિસ્તારોમાં બંને માટે આ દર અનુક્રમે 6 અને 4 ટકા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]