શિવસેનાએ કરેલા દગાને નહીં ભૂલું: રાજ ઠાકરે

મુંબઈ – પોતાની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પાર્ટીના છ નગરસેવકો પક્ષપલટો કરીને શિવસેનામાં જોડાઈ જતા મનસેના પ્રમુખ રાજ ઠાકરેએ ધૂઆંપૂંઆ થઈ ગયા છે અને એવો આક્ષેપ કર્યો છે કે શિવસેના પાર્ટીએ અમારા દરેક પક્ષપલટુને પાંચ-પાંચ કરોડ રૂપિયા આપીને ફોડી લીધા છે.

રાજ ઠાકરેએ આ હરકતને દગા તરીકે ઓળખાવી છે અને ગંદું રાજકારણ રમવાનો શિવસેના પર આક્ષેપ કર્યો છે. રાજે શિવસેનાના પ્રમુખ અને પોતાના પિતરાઈ ભાઈ ઉદ્ધવ ઠાકરેને ચેતવણી આપી છે કે તેઓ ભવિષ્યમાં આવી હરકત કરે નહીં.

ઉલ્લેખનીય છે કે મનસેના સાતમાંથી છ નગરસેવકો ગયા અઠવાડિયે શિવસેનામાં જોડાઈ ગયા હતા.

૨૨૭-સભ્યોની મુંબઈ મહાનગરપાલિકા (BMC)માં શિવસેનાનું સભ્યબળ હવે વધીને ૯૦ થયું છે. ભારતીય જનતા પાર્ટીના ૮૨ સભ્યો છે.

બીએમસીમાં આ વર્ષના ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાઈ હતી. એ વખતે શિવસેનાએ ૮૪ બેઠકો જીતી હતી અને ભાજપે ૮૨.

પોતાની પાર્ટીના સભ્યોના આવા પક્ષપલટા અંગે પ્રત્યાઘાત આપતા રાજ ઠાકરેએ જણાવ્યું છે કે મને શિવસેના તરફથી આવી અપેક્ષા નહોતી. શિવસેનાએ ગંદું રાજકારણ રમ્યું છે અને આ રીતે અન્ય પાર્ટીમાંથી નગરસેવકોને ખરીદવાના શિવસેનાના પગલાથી મહારાષ્ટ્રના લોકો નારાજ થયા છે.

રાજ ઠાકરેએ એવો આક્ષેપ પણ કર્યો છે કે શિવસેનામાં જોડાવા માટે અમારી પાર્ટીના દરેક નગરસેવકને રૂ. પાંચ-પાંચ કરોડ આપવામાં આવ્યા છે. આમ કુલ ૩૦ કરોડ રૂપિયા થયા. શિવસેના પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા?