મુંબઈઃ પૂર્વ મુંબઈના માનખુર્દ ઉપનગરના મ્હાડા (MHADA) કોલોની વિસ્તારમાં ગઈ કાલે રાતે કેટલાક ગુંડાતત્ત્વોએ કરેલી હિંસાને પગલે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દિલીપ વળસે-પાટીલે આજે તમામ સમાજનાં લોકોને શાંતિ અને કોમી એખલાસ જાળવવાની તેમજ કાયદો-વ્યવસ્થા જાળવવામાં પોલીસને મદદરૂપ થવાની અપીલ કરી છે. ગૃહ પ્રધાને એમ પણ કહ્યું છે કે, કેટલાક રાજકીય પક્ષો ભડકાવનારા નિવેદનો કરે છે, જેને કારણે હિન્દુ અને મુસ્લિમો વચ્ચે દુશ્મનાવટ વધી શકે છે. મહારાષ્ટ્રમાં કોમી તંગદિલી ભડકાવનારાઓ સામે ઉચિત કાનૂની પગલું ભરવામાં આવશે.
માનખુર્દમાં ગઈ કાલે અજાણ્યા તોફાની તત્ત્વોએ બે ડઝન જેટલા વાહનોની તોડફોડ કરી હતી. 40 જેટલા લોકો મ્હાડા કોલોનીમાં ગયા હતા, જેઓ બાજુના મહોલ્લાના જ રહેવાસી હોવાની પોલીસને શંકા છે. એમણે મ્હાડા કોલોનીમાં ખાનગી મોટરકારો, ઓટોરિક્ષા અને ટુ-વ્હીલર્સ સહિત પાર્ક કરેલા 25 જેટલા વાહનોની તોડફોડ કરી હતી. તેઓ તલવારો અને લાકડાના બાંબૂ સાથે ત્રાટક્યા હતા. તે બનાવમાં અબ્દુલ્લા યાકુબ શેખ (32) નામના એક જણને ઈજા થઈ હતી. પોલીસે 40થી વધારે અજાણ્યા શખ્સો સામે એફઆઈઆર નોંધી છે. મુંબઈના પોલીસ કમિશનર સંજય પાંડે, સંયુક્ત પોલીસ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) વિશ્વાસ નાંગ્રે પાટીલ તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓએ આજે સવારે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.