મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટેનું લોકડાઉન, જે દેશવ્યાપી પાંચમું લોકડાઉન છે, એને કેન્દ્ર સરકારની જાહેરાત મુજબ જ 30 જૂન સુધી લંબાવી દીધું છે. પરંતુ તેણે અમુક છૂટછાટોની આજે જાહેરાત કરી છે.
લોકડાઉનના નવા રાહતોથી ભરપૂર તબક્કામાં ઓફિસો અને બસ સેવા ફરી શરૂ થશે, પરંતુ શોપિંગ મોલ્સ અને હોટેલ-રેસ્ટોરન્ટ્સ હજી બંધ જ રહેશે.
મહારાષ્ટ્ર સરકારે નવા લોકડાઉનની નિયમાવલી આજે જાહેર કરી છે. તે મુજબ, આવશ્યક સેવાઓને બાદ કરતાં રાતે 9 વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી લોકોની અવરજવર પર કડક પ્રતિબંધ રહેશે.
સરકારે જાહેર કહ્યું છે કે 8 જૂનથી તમામ ખાનગી ઓફિસો ખોલી શકાશે, પરંતુ એમાં માત્ર 10 ટકા સ્ટાફ જ બોલાવી શકાશે. બાકીના કર્મચારીઓએ ઘેરથી કામ કરવાનું ચાલુ રાખવાનું રહેશે.
જિલ્લાની અંદર બસ સેવા ફરી શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે, પરંતુ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે બસ સેવા હજી બંધ છે.
સમગ્ર રાજ્યમાં ધાર્મિક સ્થળો, હોટેલ, રેસ્ટોરન્ટ્સ, શોપિંગ મોલ્સ, હજામતની દુકાનો, સ્પા, સલૂન્સ, બ્યૂટી પાર્લરો બંધ જ રહેશે.
‘મિશન બિગીન અગેઈન’ – આ નામ આપ્યું છે રાજ્ય સરકારે લોકડાઉન-5 માટેની માર્ગદર્શિકાને રિલીઝ કરતી વખતે.
રાજ્ય સરકારે પડોશના વિસ્તારોમાંના જાહેર સ્થળોમાં સાઈક્લિંગ, જોગિંગ, વોકિંગ અને રનિંગ જેવી આઉટડોર પ્રવૃત્તિઓ માટે પરવાનગી આપી છે. સવારે પાંચ વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી વ્યક્તિગત શારીરિક કસરત-અભ્યાસને પણ પરવાનગી આપવામાં આવી છે.
પ્લમ્બર, ઈલેક્ટ્રિશીયન્સ તથા અન્ય સ્વરોજગાર પર નભતી વ્યક્તિઓને પણ કામ શરૂ કરવાની છૂટ આપી છે.
આ બધા નિયમો માત્ર નોન-કન્ટેનમેન્ટ ઝોન માટે જ લાગુ છે. આ વિસ્તારો એવા છે જ્યાં કોરોનાવાઈરસના કેસો લઘુત્તમ છે.
રાજ્ય સરકાર લોકડાઉનને ધીમે ધીમે અને તબક્કાવાર ખોલવાની છે. પહેલો તબક્કો 3 જૂનથી શરૂ થશે. બીજો પાંચ જૂનથી અને ત્રીજો 8 જૂનથી.
લોકડાઉનને અનલોક કરવા માટે મહારાષ્ટ્ર સરકારે 3 તબક્કા નક્કી કર્યા છે. પહેલા તબક્કામાં, પાંચમી જૂનથી સમગ્ર રાજ્યમાં તમામ બજારો, બજાર વિસ્તારો અને દુકાનોને સવારે 9થી સાંજે પાંચ વાગ્યા સુધી ઓડ-ઈવન નિયમ અનુસાર ખોલવા દેવામાં આવશે. જો કે શોપિંગ મોલ્સ અને માર્કેટ કોમ્પલેક્સનો આમાં સમાવેશ કરાયો નથી.
3 જૂનથી આ બધા માટે પરવાનગીઃ
- જાહેર સ્થળોએ, બગીચામાં, ખાનગી મેદાનોમાં, હાઉસિંગ સોસાયટીમાં કે સંસ્થાઓના મેદાનમાં સાઈક્લિંગ, જોગિંગ, વોકિંગ કરી શકાશે. એ માટેનો સમય રહેશે સવારે પાંચથી સાંજે 7 વાગ્યા સુધીનો. જોકે આમાં ઈન્ડોર સ્ટેડિયમને પરવાનગી અપાઈ નથી.
- ગેરેજ, વર્કશોપ શરૂ કરવાની પરવાનગી છે, પરંતુ પહેલાથી સમય નક્કી કરીને
- સરકારી કાર્યાલયોમાં 15 ટકા હાજરીની પરવાનગી (અગાઉ પાંચ ટકા હાજરીની પરવાનગી હતી)
- ઈલેક્ટ્રિશીયન, પ્લમ્બર વગેરે સ્વરોજગાર વ્યક્તિઓને પરવાનગી (કન્ટેનમેન્ટ ઝોનમાં નહીં)
પાંચ જૂનથી મળનારી છૂટઃ
- મોલ્સ અને માર્કેટ કોમ્પલેક્સને બાદ કરતાં તમામ બજારો, દુકાનોને સવારે 9થી સાંજે પાંચ વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે, પણ એ માટે એકી-બેકી પદ્ધતિ અપનાવવાની રહેશે. એકી તારીખે રસ્તાની એક તરફની દુકાનો ખુલ્લી રાખવાની અને બેકી તારીખે રસ્તાની સામેની બાજુની દુકાનોને ખુલ્લી રાખવાની
- રેડીમેટ ગાર્મેન્ટ્સ અને કાપડની દુકાનોમાં ચેન્જિંગ અને ટ્રાયલ રૂમ બંધ રાખવા પડશે. તેમજ ખરીદેલી વસ્તુ પાછી લેવાની વ્યવસ્થા પર પ્રતિબંધ રહેશે.
- ખરીદી માટે લોકોને શક્ય હોય તો બાજુની માર્કેટમાં ચાલતા જવાની કે સાઈકલ પર જવાની સૂચના છે.
- અત્યાવશ્યક ચીજવસ્તુઓને બાદ કરતાં અન્ય ચીજવસ્તુઓની ખરીદી માટે દૂર જવાની મનાઈ છે
- ખરીદી વખતે ગીરદી થશે તો સ્થાનિક પ્રશાસન માર્કેટ બંધ કરી દેવાનો નિર્ણય લઈ શકશે
- જે દુકાનમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો નિયમ પાળવામાં ન આવતો હોવાનું ધ્યાનમાં આવશે તો એ દુકાનને તરત જ બંધ કરી દેવાનો સ્થાનિક પ્રશાસન નિર્ણય લઈ શકશે.
8 જૂનથી આ બધું ખુલશેઃ
- ખાનગી ઓફિસો 10 ટકા કર્મચારીઓની હાજરી સાથે શરૂ કરી સકાશે. તમામ કર્મચારીઓને સ્વચ્છતાને લગતી જાણકારી આપવી અનિવાર્ય. બાકીના કર્મચારીઓને વર્ક-ફ્રોમ-હોમનો વિકલ્પ.
- કામકાજના સ્થળે નિયમિત સેનિટાઈઝેશન કરવું ફરજિયાત. દરવાજાના હેન્ડલ્સ જેવી જગ્યા, કે જ્યાં વ્યક્તિઓનો સ્પર્શ સૌથી વધારે રહેતો હોય છે ત્યાં નિયમિત સ્વચ્છતા જાળવવી
- કામ પર આવેલી વ્યક્તિઓએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે, લંચબ્રેક વખતે પણ એ નિયમનું પાલન કરવું ફરજિયાત.
- ટેક્સીમાં 1+2 વ્યક્તિ, રિક્ષામાં 1+2, ફોર-વ્હીલર વાહનમાં 1+2, ટુ-વ્હીલર પર માત્ર એક જ વ્યક્તિને જવાની છૂટ
આની પર પ્રતિબંધ ચાલુ રહેશેઃ
- શોપિંગ મોલ્સ, હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ અન્ય હોસ્પિટેલિટી સેવાઓ
- વાળંદની દુકાનો, સ્પા, સલૂન્સ, બ્યૂટી પાર્લર્સ
- ધાર્મિક સ્થળો, જાહેરમાં પૂજાના સ્થળો
- શાળા, કોલેજો, શૈક્ષણિક, ટ્રેનિંગ, કોચિંગ સંસ્થાઓ વગેરે
- આંતરરાષ્ટ્રીય વિમાન પ્રવાસ (માત્ર કેન્દ્રીય ગૃહ મંત્રાલયની પરવાનગી હોય એને જ છૂટ)
- મેટ્રો રેલવે.
- ટ્રેનો તથા ડોમેસ્ટિક વિમાન પ્રવાસ દ્વારા પ્રવાસીઓની હેરફેરને અલગ આદેશો અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર (SOP) મારફત જ વિશેષ રૂપે પરવાનગી અપાશે
- સિનેમા હોલ, જિમ્નેશિયમ્સ, સ્વિમિંગ પૂલ્સ, મનોરંજન પાર્ક્સ, થિયેટરો, બીયર બાર, ઓડિટોરિયમ્સ, એસેમ્બલી હોલ્સ તથા એવા અન્ય સ્થળો.
- સામાજિક, રાજકીય, ખેલકૂદ, મનોરંજક શૈક્ષણિક, સાંસ્કૃતિક ધાર્મિક સમારંભો અને વિશાળ સભાઓ.