મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં સરેરાશ જ્યાં કોરોનાવાઈરસના પોઝિટીવ કેસોની સંખ્યા વધારે છે તે 18 જિલ્લાઓમાં કોરોના દર્દીઓને હોમ ક્વોરન્ટીન અવસ્થામાં રહેવા દેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એને બદલે તેમને કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવાનું મહારાષ્ટ્ર સરકારે નક્કી કર્યું છે. નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના અધ્યક્ષપદ હેઠળ મળેલી બેઠકમાં લેવાયેલો આ નિર્ણય કેટલાકને ગમ્યો નથી.
આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે 18 જિલ્લાઓમાં હોમ ક્વોરન્ટીન પદ્ધતિ પૂર્ણપણે બંધ કરાઈ નથી. ગ્રામિણ વિસ્તારોમાં સંસ્થાકીય ક્વોરન્ટીન પદ્ધતિને ઉત્તેજન આપવા માટે આવું નક્કી કરવામાં આવ્યું છે. કોરોનાના લક્ષણવાળી વ્યક્તિ હોમ ક્વોરન્ટીનમાં રહે તો એનાથી ઘરની અન્ય વ્યક્તિઓને પણ કોરોનાનો ચેપ લાગી શકે છે. આ બાબતને ધ્યાનમાં લઈને જ દર્દીઓને કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવાનો નિર્ણય લેવાયો છે. એ માટે 18 જિલ્લાઓમાં કોવિડ સેન્ટરોની સંખ્યા પણ વધારવામાં આવી રહી છે. આ 18 જિલ્લા છેઃ રાયગડ, થાણે, સાતારા, સિંધુદુર્ગ, રત્નાગિરી, પુણે, ઉસ્માનાબાદ, બીડ, લાતૂર, હિંગોલી, અકોલા, અમરાવતી, ગડચિરોલી, વર્ધા, કોલ્હાપૂર, સાંગલી, નાશિક અને અહમદનગર.