મુંબઈ – કિસાનોની માગણી પૂરી કરવાનું અને માગણીઓના મામલે દર બે મહિને બેઠક યોજી પ્રગતિની સમીક્ષા કરવાનું પણ મહારાષ્ટ્ર સરકારે વચન આપ્યા બાદ હજારો કિસાનોએ મુંબઈ તરફ ગુરુવારે સવારે નાશિક શહેરથી શરૂ કરેલી એમની વિરાટ કૂચને ગઈ મોડી રાતે અટકાવી દીધી હતી.
કિસાનોએ ગઈ કાલે સવારે 9.30 વાગ્યે નાશિકથી એમની કૂચનો આરંભ કર્યો હતો. ત્યાંથી લગભગ 15 કિ.મી. દૂર આવેલા અંબે બહુલા ગામના ખુલ્લા મેદાનમાં એમણે પડાવ નાખ્યો હતો.
આંદોલન ચલાવનાર કિસાનોનાં સંગઠન ઓલ ઈન્ડિયા કિસાન સભાના પ્રતિનિધિઓએ મહારાષ્ટ્રના જળસંસાધન ખાતાના પ્રધાન ગિરીશ મહાજન સાથે ચર્ચા કરી હતી.
કિસાનોની માગણી છે કે દુકાળપીડિત કિસાનોને વધુ સારી આર્થિક રાહત આપવામાં આવે, ગુજરાત સાથે મહારાષ્ટ્રની નદીઓને જોડવાની સમજૂતી પર ફેરવિચારણા કરવામાં આવે અને કિસાનો માટે પેન્શન યોજના શરૂ કરવામાં આવે. મહાજન સાથે પાંચ કલાક સુધી મંત્રણા થઈ હતી. મહાજને વચન આપ્યું હતું કે કિસાનોની માગણીઓના સમયાનુસાર ઉકેલ લાવવામાં આવશે.
સરકારે કહ્યું કે વનવિભાગના કાર્યક્ષેત્ર હેઠળ આવતી જમીન કિસાનોને પરત કરવાની કિસાનોની મુખ્ય માગણીઓમાંની જે એક છે, તે એકથી લઈને ત્રણ મહિનામાં પૂરી કરવામાં આવશે.
કિસાનોની માગણીઓ પૂરી કરવાની પ્રક્રિયાની પ્રગતિ વિશે સરકાર તથા કિસાન સભાના આગેવાનો વચ્ચે નિયમિત રીતે બેઠકો યોજાશે.
કિસાનોની કૂચ શરૂ થાય એ પહેલા જ એમની માગણીઓ વિશે કોઈક ઉકેલ ઘડી કાઢવા અને આંદોલનનો શાંતિપૂર્વક રીતે અંત આવે એ માટે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગિરીશ મહાજનને ડેપ્યૂટ કર્યા છે.
આશરે 50 હજાર કિસાનોએ ગુુરુવારે સવારે નાશિકથી 200 કિ.મી.ની કૂચનો આરંભ કર્યો હતો, પણ સરકારની ખાતરી બાદ પહેલા જ દિવસે કૂચ રોકી દીધી છે.