મહારાષ્ટ્રમાં મતદાર યાદીમાંથી 50 લાખ નામ ચૂંટણી પંચે કાઢી નાખ્યા

મુંબઈ – ભારતના ચૂંટણી પંચે મતદાર યાદીઓની ચકાસણી, ફેરફારો કર્યા બાદ મહારાષ્ટ્રમાં મતદાર યાદીમાંથી 50 લાખ જેટલા નામ કાઢી નાખ્યા છે.

આમાં ઘણાં નામ એવા હતા જે એકથી વધુ વાર નોંધાયા હતા અથવા જે લોકો નિધન પામ્યાં છે એમના નામ હતા.

મતદારોની ચકાસણીની પ્રક્રિયા હજી ચાલુ છે અને આવનારા અઠવાડિયાઓમાં વધારે નામો દૂર કરાય એવી ધારણા છે.

મતદાર યાદી ચકાસણીની પ્રક્રિયા ચાલુ જ હતી, પણ આગામી લોકસભા તથા મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પૂર્વે આ પ્રક્રિયામાં વેગ આવ્યો છે.

એક અધિકારીએ કહ્યું કે ચકાસણી દરમિયાન એવું માલુમ પડ્યું હતું કે ઘણી પરિણીત સ્ત્રીઓનાં નામ એમનાં જન્મનાં સ્થળના સરનામે તેમજ પરણીને સાસરે ગઈ હોય ત્યારે એ સરનામે પણ નોંધાયા હતા. એવી સ્ત્રીઓનાં નામ એમનાં વતનનાં સરનામે ડિલીટ કરવામાં આવ્યા નહોતા.

વધુમાં, કેટલીક સ્ત્રીઓનાં નામ લગ્ન બાદ બદલવામાં આવ્યા હતા. એવી સ્ત્રીઓનાં નામ પણ બંને સ્થળે જોવા મળ્યા હતા. તેથી જન્મનાં સરનામે જે નામ હતાં એ ડિલીટ કરી દેવાયા છે.

મતદાર યાદીઓ કારણવગર લાંબીલચક ન થાય એટલા માટે ચૂંટણી પંચે બૂથ-લેવલનાં અધિકારીઓને કહ્યું છે કે તેમણે દરેક ઘેર જઈને મતદારોનાં નામોની ચકાસણી કરવી.

એવાંય ઘણાં લોકો છે જેઓ નોકરી મળ્યા બાદ અન્ય સ્થળે રહેવા જતા રહ્યા હો અને ત્યાં મતદાર તરીકે પોતાનું નામ રજિસ્ટર કરાવ્યું હોય, પણ પોતાના વતન સ્થળે નામ ડિલીટ કરાવ્યું ન હોય.

ચૂંટણી પંચે કહ્યું છે કે નામો ડિલીટ કરતી વખતે સંબંધિત વ્યક્તિનાં પરિવારની વ્યક્તિની સંમતિ લેવામાં આવે છે. એક પણ નામ સંમતિ વગર કાઢી નાખવામાં આવતું નથી.

જે મતદારોનું નિધન થઈ ગયું હોય એમનાં નામ ડિલીટ કરતા પહેલાં એમના નિધનની ચકાસણી કેવી રીતે કરાય છે? તો ચૂંટણી પંચના અધિકારીએ કહ્યું કે ચૂંટણી પંચની દરેક સ્થાનિક ઓફિસમાં એના અધિકારક્ષેત્રમાં વ્યક્તિઓનાં થતા જન્મ તથા નિધનની નોંધણીની વ્યવસ્થા હોય છે. આ માહિતી બૂથ-લેવલ અધિકારીઓ વ્યક્તિઓનાં ઘેર જઈને વ્યક્તિગત રીતે મેળવે છે. પરિવારજનોની સંમતિ બાદ નિધન પામેલી વ્યક્તિનું નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવે છે.

મહારાષ્ટ્રમાં, કુલ 8,73,30,484 મતદારો છે. આમાં 4,57,02,579 પુરુષો છે અને 4,16,25,819 મહિલાઓ છે. 2,086 મતદારોનાં નામ ‘અન્ય’ કેટેગરીમાં નોંધવામાં આવ્યા છે.

કુલ મતદારોમાં, 2,24,162 જણ શારીરિક અસમર્થ તરીકે નોંધાયા છે.

મહારાષ્ટ્રમાં, 42,45,945 મતદારો પહેલી જ વાર મતદાન કરશે. 256 મતદારો NRI છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]