મહારાષ્ટ્ર એટીએસ અધિકારીઓએ 3 શકમંદ ત્રાસવાદીઓ પાસેથી જપ્ત કર્યા વધારે શસ્ત્રો

મુંબઈ – મહારાષ્ટ્ર પોલીસે આજે એવો દાવો કર્યો છે કે ત્રાસવાદી પ્રવૃત્તિઓ કરવાના આરોપસર એણે એક કટ્ટરવાદી સંગઠનના એક સભ્ય સહિત જે ત્રણ જણની ધરપકડ કરી છે એમની વિશે તપાસ ચાલી રહી છે તેવામાં પાંચ વધુ દેશી બનાવટની પિસ્તોલ તથા દારૂગોળાનો મોટો જથ્થો કબજે કર્યો છે.

આ સાથે, કથિત ત્રાસવાદી ષડયંત્રના સંબંધમાં અત્યાર સુધીમાં કબજે કરાયેલી પિસ્તોલોનો આંક વધીને 16 થયો છે.

મહારાષ્ટ્ર એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડના અધિકારીઓએ આ પહેલાં ગયા શનિવારે મુંબઈની પડોશમાં આવેલા નાલાસોપારાના એક ઘરમાંથી 11 દેશી બનાવટની પિસ્તોલ, કારતૂસોના પટ્ટા, એક એરગન, 10 પિસ્તોલ બેરલ્સ, 6 પિસ્તોલ મેગેઝિન્સ, અન્ય શસ્ત્રસામગ્રીઓ જપ્ત કરી હતી.

એટીએસ અમલદારોએ ગઈ 10 ઓગસ્ટે નાલાસોપારામાંથી 40 વર્ષીય વૈભવ રાઉતની ધરપકડ કરી હતી જે હિન્દુ ગોવંશ રક્ષા સમિતિ નામની સંસ્થા ચલાવે છે.

રાઉતની ધરપકડ કર્યા બાદ એટીએસ અમલદારોએ પાલઘર અને પુણે જિલ્લામાં દરોડા પાડીને 25 વર્ષીય શરદ કાળસકર અને 39 વર્ષીય સુધન્વા ગોંધળેકરની ધરપકડ કરી હતી.

એટીએસનો દાવો છે કે એમણે 20 દેશી બનાવટના બોમ્બ્સ, બે જિલેટીન સ્ટિક્સ, 4 ઈલેક્ટ્રોનિક અને 22 નોન-ઈલેક્ટ્રોનિક ડીટોનેટર્સ, 150 ગ્રામ વિસ્ફોટક પાવડર તથા અન્ય કેટલીક સામગ્રી કબજે કરી હતી. પોલીસનું માનવું છે કે આ શસ્ત્રો અને સામગ્રીનો ઉપયોગ મહારાષ્ટ્રમાં અનેક સ્થળોએ વિસ્ફોટો કરવા માટે થવાનો હતો.

આરોપીઓ હાલ એટીએસની કસ્ટડીમાં છે અને એમને 18 ઓગસ્ટ સુધી કસ્ટડીમાં રાખવાની સ્થાનિક કોર્ટે પરવાનગી આપી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]