વડા પ્રધાન મોદી ‘મેગ્નેટિક મહારાષ્ટ્ર’ સંમેલનમાં ઉદ્યોગપતિઓ સાથે વિચારવિમર્શ કરશે

મુંબઈ – વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતા રવિવારથી અહીં શરૂ થઈ રહેલા ત્રણ-દિવસીય ‘મેગ્નેટિક મહારાષ્ટ્ર: કન્વર્જન્સ 2018’ સંમેલન દરમિયાન ભારતના ટોચના ઉદ્યોગપતિઓ અને કોર્પોરેટ કંપનીઓનાં સીઈઓ સાથે વિચારવિમર્શ કરશે.

વડા પ્રધાન મોદી અત્રે બાન્દ્રા-કુર્લા કોમ્પલેક્સ (બીકેસી)ના MMRDA ગ્રાઉન્ડ ખાતે સૌપ્રથમ વાર યોજાઈ રહેલા ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું ઉદઘાટન કરવાના છે અને ત્યારબાદ બપોરે હાઈ-ટી કાર્યક્રમ વખતે કોર્પોરેટ ક્ષેત્રના વડાઓ સાથે વિચારવિમર્શ કરશે. એ વખતે એમની સાથે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ ઉપસ્થિત રહેશે.

આ સંમેલનની ટેગલાઈન છે – #મેઈડફોરબિઝનેસ. વડા પ્રધાન મોદીએ 2016ના ફેબ્રુઆરીમાં ‘મેક ઈન ઈન્ડિયા’ ઝુંબેશ શરૂ કરી ત્યારબાદ આ પ્રકારનો આ પહેલો જ કાર્યક્રમ હશે.

મહારાષ્ટ્ર સરકારની ધારણા છે કે ત્રણ-દિવસીય શિખર સંમેલનમાં આશરે 5000 જેટલી વ્યાપાર સમજૂતીઓ થશે અને રૂ. 10 લાખ કરોડ જેટલા મૂડીરોકાણની ખાતરીઓ મળશે જેને પગલે રાજ્યમાં 35 લાખ જેટલા લોકો માટે રોજગારનું નિર્માણ થવાની ધારણા છે.

બિઝનેસ કોન્ક્લેવ ઉપરાંત 23 ફેબ્રુઆરી સુધી એક એક્ઝિબિશન પણ યોજવામાં આવનાર છે જેમાં રાજ્ય સરકાર પોતે હાથ ધરેલી મહત્વની યોજનાઓની ઝલક રજૂ કરશે.

આ યોજનાઓમાં મુંબઈ મેટ્રો, મુંબઈ-નાગપુર સુપર કમ્યુનિકેશન એક્સપ્રેવે, મુંબઈ કોસ્ટલ રોડ, મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિન્ક અને નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનો સમાવેશ થાય છે. વડા પ્રધાન રવિવારે નવી મુંબઈના એરપોર્ટનો શિલાન્યાસ કરવાના છે.

ફડણવીસે કહ્યું છે કે મેગ્નેટિક મહારાષ્ટ્ર સંમેલનના આયોજન પાછળના ચાર મુખ્ય સિદ્ધાંત છે – રોજગાર, અવિરતતા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ભાવિ ઉદ્યોગો.

આ સંમેલનમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી, મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્ર, બ્રિટનની વર્જિન હાઈપરલૂપના ચેરમેન રિચર્ડ બ્રાન્સન, ઈમરસનના પ્રમુખ એડવર્ડ મોન્સર, ટોનીનો લેમ્બોર્ગિની એસપીએના પ્રમુખ ટોનીનો લેમ્બોર્ગિની ભાગ લેશે એવી ધારણા રખાય છે.