મુંબઈ – મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે કહ્યું છે કે રાજ્યના યવતમાળ જિલ્લાના જંગલમાં નરભક્ષી વાઘણ અવનિ (T1)ને ખતમ કરવાનો બનાવ દુખદ હતો અને શિકારની પ્રક્રિયામાં જો કોઈ પ્રકારની ક્ષતિ રહી ગઈ હશે તો એની તપાસ કરવામાં આવશે.
અવનિ વાઘણને ગયા શુક્રવારની રાતે યવતમાળ જિલ્લાના રાલેગાંવ પોલીસ સ્ટેશન અંતર્ગત બોરાતી જંગલમાં શાર્પ શૂટર અસગર અલીએ ઠાર કરી હતી.
પત્રકારો સાથેની વાતચીતમાં ફડણવીસે કહ્યું કે વાઘણનું આ પ્રકારે મોત કોઈ આનંદની વાત નથી. એ વાઘણ 13થી 14 જણને ખાઈ ગઈ હતી એટલે એને મારી નાખવાનો જંગલ વિભાગે નિર્ણય લીધો હતો. વાઘણને પહેલાં ઠાર મારવામાં આવી હતી અને પછી એનાં શરીરમાં પાછળથી ડાર્ટ ઈન્સર્ટ કરવામાં આવ્યું હતું એવી શંકા ગઈ છે. આ બાબતમાં તપાસ કરવામાં આવશે.
ફડણવીસે કહ્યું કે એમને જે પ્રાથમિક અહેવાલો આપવામાં આવ્યા હતા એ મુજબ વાઘણને ટ્રાન્ક્વીલાઈઝર દ્વારા બેભાન કરવાનો જંગલ વિભાગના સ્ટાફે પ્રયાસ કર્યો હતો, પણ વાઘણે એમની પર હુમલો કર્યા બાદ એને ઠાર મારવામાં આવી હતી.
ફડણવીસે કહ્યું કે જંગલ વિભાગે શિકારી અસગર અલીને રોક્યો હતો. સામાન્ય રીતે વાઘ સજ્જન પ્રાણી ગણાય છે. એના વિસ્તારમાં કોઈ ઘૂસણખોરી કરે તો જ એ હુમલો કરે છે. મને મળેલા પ્રાથમિક અહેવાલો એવા છે કે વાઘણે જંગલ વિભાગની ટૂકડી પર હુમલો કર્યો હતો અને ટૂકડીએ સ્વબચાવમાં એને ઠાર મારી હતી.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય મહિલા અને બાળવિકાસ ખાતાનાં પ્રધાન મેનકા ગાંધીએ અવનિ વાઘણને મારી નાખવાના મહારાષ્ટ્ર સરકારના પગલાની આકરી ટીકા કરી છે અને રવિવારે અનેક ટ્વિટ્સ કરીને આ ઘટના પ્રત્યે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. એમણે કહ્યું કે અવનિની હત્યા કરવામાં આવી હતી. એમણે આ માટે મહારાષ્ટ્રના વન મંત્રાલયના પ્રધાન સુધીર મુનગંટીવારને દોષી ગણાવ્યા છે.
ફડણવીસે કહ્યું છે કે મેનકા ગાંધીએ બહુ આકરાં શબ્દોનો ઉપયોગ કર્યો છે, પરંતુ એમની લાગણી સમજી શકાય એવી છે. આ બનાવના સંદર્ભમાં તમામ પ્રાણીપ્રેમીઓએ રોષભરી લાગણી વ્યક્ત કરી છે. વાઘણનો શિકાર બહુ કઠિન નિર્ણય હતો.
સુધીર મુનગંટીવારે કહ્યું કે મેનકા ગાંધી પાસે આ બાબતમાં માહિતીનો અભાવ છે.