રામમંદિર માટે વટહૂકમ નહીં, જનમત થવો જોઈએઃ પ્રકાશ આંબેડકર

મુંબઈ – ભારિપ બહુજન મહાસંઘ પાર્ટીના વડા પ્રકાશ આંબેડકરે માગણી કરી છે કે અયોધ્યામાં રામમંદિર બાંધવાના મુદ્દે જનમત યોજાવો જોઈએ.

પત્રકારો સાથેની વાતચીતમાં ‘ભારત રત્ન’ ડો. બાબાસાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરે કહ્યું કે રામમંદિર બાંધવા માટે સરકારી વટહૂકમ બહાર પાડવો કે વિવાદાસ્પદ જમીન હસ્તગત કરવી એ ઉચિત વિકલ્પો નથી.

રામમંદિર બાંધવા માટે તો જનમત યોજવો જોઈએ, એવું આંબેડકરે ભારપૂર્વક કહ્યું છે.

અયોધ્યામાં રામમંદિર બાંધી શકાય એ માટે સરકારે વટહૂકમ બહાર પાડવો જોઈએ એવી આરએસએસના વડા મોહન ભાગવતે હાલમાં વિજયાદસમી વાર્ષિક રેલી વખતે કરેલી માગણી વિશે પ્રત્યાઘાત આપવાનું પૂછતાં આંબેડકરે સામું પૂછ્યું કે, ‘આરએસએસ વળી કોણ છે અને મોહન ભાગવત વળી કોણ છે?’

આંબેડકરે ભાજપના મિત્ર પક્ષ શિવસેનાની પણ ટીકા કરી છે અને કહ્યું કે શિવસેનાની વાક્છટાથી લોકો મૂર્ખ બની જાય એવા નથી.

શું તમારી પાર્ટી કોંગ્રેસ અને એનસીપી સાથે જોડાણ કરશે? એવા સવાલના જવાબમાં આંબેડકરે કહ્યું કે હું કોંગ્રેસના નેતાઓને એકવાર મળ્યો હતો અને એમણે મને કહ્યું હતું કે તેઓ મારા પ્રસ્તાવ વિશે કેન્દ્રીય નેતાગીરી સાથે મસલત કરશે. એ પછી મને એમની તરફથી કંઈ સાંભળવા મળ્યું નથી.

આવતા વર્ષે નિર્ધારિત લોકસભા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ લડવા માટે અસદુદ્દીન ઓવૈસીની આગેવાની હેઠળની ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લીમીન પાર્ટી પાસે જોડાણ કર્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]