મુંબઈ પોલીસ પાસેથી રક્ષણ લેવાની કંગનાએ ના પાડી દીધી

મુંબઈઃ કેન્દ્રીય નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB) સંસ્થાએ અભિનેત્રી રિયા ચક્રવર્તિ સામે કેફી દ્રવ્યનો જે કેસ કર્યો છે એ વિશે સ્ફોટક માહિતી આપવા બદલ બોલીવૂડ અભિનેત્રી કંગના રણૌતે પોતાને રક્ષણ મળે એવી માગણી કરી છે, પરંતુ એણે મુંબઈ પોલીસ પાસેથી રક્ષણ લેવાનો ઈનકાર કરી દીધો છે. એણે કહ્યું છે કે એને મૂવી માફિયા ગૂંડાઓ કરતાં મુંબઈ પોલીસનો વધારે ડર લાગે છે.

કંગનાએ કહ્યું હતું કે બોલીવૂડમાં કેફી દ્રવ્યોના થતા ઉપયોગ અને ડ્રગ્સની કરાતી સપ્લાય કેસમાં સાક્ષી બનવા અને એ વિશેની માહિતી આપવા તૈયાર છે, પરંતુ પોતાને કેન્દ્ર સરકાર તરફથી રક્ષણ મળે તો જ પોતે આમ કરવા તૈયાર છે.

કંગનાએ એ કહ્યાના ચાર દિવસ બાદ મહારાષ્ટ્ર ભાજપના નેતા રામદાસ કદમે ટ્વીટ કરીને મુંબઈ પોલીસને કહ્યું છે કે તે કંગનાને રક્ષણ આપે. કમનસીબે મહારાષ્ટ્ર સરકારે હજી સુધી એને રક્ષણ આપ્યું નથી.

કદમે એમના ટ્વીટની સાથે મહારાષ્ટ્રના પ્રધાનો આદિત્ય ઠાકરે અને અનિલ દેશમુખ તથા મુંબઈના પોલીસ કમિશનરને ટેગ કર્યા છે.

આ ટ્વીટ બાદ તરત જ કંગનાએ જવાબમાં લખ્યું કે આ મામલામાં મુંબઈ પોલીસ જોડાય એવું તે ઈચ્છતી નથી. આભાર, વાસ્તવમાં, મને તો હવે મૂવી માફિયા ગૂંડાઓ કરતાં મુંબઈ પોલીસનો વધારે ડર લાગે છે. મુંબઈમાં મને હિમાચલ પ્રદેશ સરકાર અથવા કેન્દ્ર તરફથી સીધી સિક્યૂરિટી મળે એની જરૂર છે. મુંબઈ પોલીસની નહીં, મહેરબાની કરીને.

કંગનાએ આ મુદ્દે અનેક ટ્વીટ્સ કર્યા છે.

અગાઉ એણે એમ લખ્યું હતું કે બોલીવૂડમાં કેફી દ્રવ્યોના બંધાણીઓના નામ અને કૌભાંડ ખૂલ્લું પડે તો ઘણા ટોચના લોકો જેલના સળિયા પાછળ જાય.

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહે આ મામલે કંગનાને ટેકો આપ્યો છે અને એક ટ્વીટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટેગ કરીને કહ્યું છે કે સરકારે કંગનાને સુરક્ષા પૂરી પાડવી જોઈએ, જેથી એ કેફી દ્રવ્યો-વિરોધી બ્યુરોને તપાસમાં મદદરૂપ થઈ શકે.

કંગનાએ પોતાને સપોર્ટ કરવા બદલ પ્રશંસકોનો આભાર માન્યો છે. શ્વેતા સિંહે જવાબમાં લખ્યું કે, તારા માટે ગર્વ થાય છે.

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના કથિત આત્મહત્યાના કેસની તપાસમાં હવે ડ્રગ્સના સેવનનો મુદ્દો પણ ઉમેરાયો છે.

કંગના મૂવી માફિયા ચલાવી રહેલા લોકોમાં કરણ જોહર, આદિત્ય ચોપરા, મહેશ ભટ્ટ, જાવેદ અખ્તર જેવાનું નામ આપી ચૂકી છે.