કમાલ રાશિદ ખાન ‘KRK’ની મુંબઈ એરપોર્ટ પર ધરપકડ

મુંબઈઃ અભિનેતા, નિર્માતા અને હિન્દી-ભોજપુરી સિનેમા લેખક કમાલ રાશિદ ખાનની મુંબઈ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી છે. આ જાણકારી એક્ટરે પોતે જ X (ટ્વિટર)ના માધ્યમથી આપી છે. કમાલ આર. ખાનનું મૂળ નામ છે મોહમ્મદ રાશિદ મોહમ્મદ ઈકબાલ કમાલ. એણે ટ્વિટર પર જણાવ્યું છે કે, ‘જો હું જેલમાં મરી જાઉં તો તમારે એને હત્યા ગણવી.’

કમાલની ધરપકડ 2016ની સાલના એક કેસના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હોવાનું મનાય છે. એણે ટ્વીટમાં લખ્યું છે: ‘હું છેલ્લા એક વર્ષથી મુંબઈમાં છું. કોર્ટ કેસને લગતી તારીખો વખતે હું કોર્ટમાં નિયમિત હાજરી આપતો રહ્યો છું. આજે હું નવા વર્ષની ઉજવણી માટે દુબઈ જતો હતો. પણ મુંબઈ પોલીસે એરપોર્ટ પર જ મારી ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, 2016ના એક કેસમાં હું વોન્ટેડ છું. સલમાન ખાન કહે છે કે એની ફિલ્મ ટાઈગર 3 મારે કારણે ફ્લોપ ગઈ છે. જો હું પોલીસ સ્ટેશનમાં કે જેલમાં કોઈ સંજોગોમાં મરી જાઉં તો તમે બધા એને હત્યા માનજો. અને તમે સહુ જાણો જ છો કે જવાબદાર કોણ છે!’

સોશિયલ મીડિયા પર કમાલ ખાનની ઘણા યૂઝરે હાંસી પણ ઉડાવી છે. એક જણે લખ્યું છે: ‘હું તને કહેતો જ હતો કે બકવાસ બંધ કર… કર્મ… મજા કર.’ બીજા એક જણે લખ્યું છે: ‘અમે તારી સાથે જ છીએ કમાલ આર. ખાન. અમે તને એમ શાંતિથી મરવા નહીં દઈએ.’

https://twitter.com/kamaalrkhan/status/1739220549585301705