માનવ તસ્કરીની શંકા પરથી ફ્રાન્સમાં રોકી દેવાયેલા વિમાનનું મુંબઈમાં આગમન

મુંબઈઃ હ્યુમન ટ્રાફિકિંગ (માનવ તસ્કરી)ની ગેરકાયદેસર પ્રવૃત્તિની શંકા પરથી ફ્રાન્સમાં ચાર દિવસ સુધી રોકી દેવાયેલું 276 પ્રવાસીઓ સાથેના એક ચાર્ટર્ડ વિમાને આજે વહેલી સવારે મુંબઈ એરપોર્ટ પર ઉતરાણ કર્યું છે. આ વિમાનના પ્રવાસીઓ ભારતીય છે. આ વિમાન રોમાનિયાની એક કંપની દ્વારા સંચાલિત હતું અને તે નિકારાગ્વા જતું હતું. એના પ્રવાસીઓ માનવ તસ્કરીની પ્રવૃત્તિઓમાં સામેલ થયા હોવાની શંકા જતાં ફ્રાન્સના સત્તાવાળાઓએ વિમાનને વેટ્રી એરપોર્ટ પર ચાર દિવસ સુધી રોકી દીધું હતું.

આ એરબસ A340 વિમાનને ફ્રાન્સમાંથી ગઈ કાલે બપોરે અઢી વાગ્યે મુંબઈ માટે રવાના કરવામાં આવ્યું હતું અને તેણે આજે વહેલી સવારે લગભગ 4 વાગ્યાની આસપાસ મુંબઈ એરપોર્ટ પર ઉતરાણ કર્યું હતું. વિમાનમાં કુલ 303 પ્રવાસીઓ હતાં. એમાંના 25 જણે ફ્રાન્સમાં રાજ્યાશ્રય માટે અરજી કરી છે અને તેઓ હજી ફ્રાન્સમાં જ છે. આ 25 જણમાં બે સગીર વયની વ્યક્તિ છે.